ઘટ ઘટમાં મારો વાસ,
મને કોઈક વિરલા જન જાણે...
ભીતરને બહાર પ્રકાશ,
મને કોઈક વિરલા જન જાણે - ટેક*
એક અનાદી અનંત રૂપ હું,
અજર અમર અવિનાશ....
કદી ના જન્મુ કદી ના મરવું ;
કદી ન થાઉં નિરાશ - મને કોઈક *
કાયા માયા વાદળ છાંયા,
મિથ્યા વિષય વિલાસ...
માને નહિ તે મરે ને જન્મે ;
પામે જમનો ત્રાસ - મને કોઈક *
મસ્ત સદા હું સ્વરૂપાનંદે,
આત્મા સ્વયં પ્રકાશ....
મોહ કે માયા મને ન સ્પર્શે;
સ્પર્શે નહિ કોઈ પાશ - મને કોઈક *
નિર્મળ નિશ્ચલ નિર્વિકારી,
નિર્ગુણ નિરાકાર....
શંકર સચરાચર વ્યાપક છે ;
નહિ દૂર નહિ પાસ - મને કોઈક