બેદલ મુખસે મીઠાં બોલે‚ એની વાણીમાં વરમંડ ડોલે‚
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી‚
રંગ બેઉનો એક જ છે‚ ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚ પણ બોલી એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી‚
રંગ બેઉનો એક જ છે‚ ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚ પણ ચારો એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે‚
તોલ બેઉનો એક છે‚ ભાઈ ! તોલ બેઉનો એક જ છે‚ એનાં મૂલ એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
ગુરુ પ્રતાપે ભણે રતનદાસ‚ સંત ભેદુને સમજાય જી‚
ધર્મરાજાને દ્વાર જાતાં‚ પ્રભુજીને દરબાર જાતાં‚ આડી ચોરાશીની ખાણ..
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..