*કૃપા મારાં નાથની થાતી ,*
*દશા એની બદલી જાતી - ટેક **
*ઊંચ નીચનો ભેદ નથી ત્યાં ,*
*કોણ રાજા કોણ રંક .....*
*મહેર થતા મનમોહન કેરી ,*
*ફરે લખેલા અંક ,*
*ભલે હોય જાતિ કજાતિ ,*
*દશા એની બદલી જાતી - કૃપા મારાં **
*સત્સંગ કરવામાં સ્નેહ વધે ,*
*વળી ઓળખે સાર અસાર ,*
*દોષ પોતાના પોતે દેખીને ,*
*હાંકી કાઢે ઘર બાર ......*
*વસ્તુ એને સહેજે સમજાતી ,*
*દશા એની બદલી જાતી - કૃપા મારા **
*અંતર આતુર મળવા પ્રભુને ,*
*આંસુડાની વહે ધાર ,*
*વિખ જેવા એને વિષય લાગે ,*
*ને કડવો લાગે સંસાર ......*
*રડે એની ધ્રુસકે છાતી ,*
*દશા એની બદલી જાતી -કૃપા મારાં **
*પ્રભુ પ્રેમી કોઈ સંત દેખીને ,*
*હૈયું શીતળ થાય ,*
*ગુણ હરિના જ્યાં ગવાતા ,*
*દોડી દોડી ત્યાં જાય .......*
*પ્રીતિ નહીં ઉર સમાતી ,*
*દશા એની બદલી જાતી - કૃપા મારાં **
*પ્રભુના પ્રેમમાં હસે રડે ને ,*
*નાચે કૂદેને ગાય ,*
*ગોવિંદ એના દર્શન કરવા ,*
*દેવો પણ લલચાય .....*
*વરતી એની ઉચ્ચ જણાતી ,*
*દશા એની બદલી જાતી - કૃપા મારાં **