કાન તને રાધા ગમે કે ગમે મીરાં
એકે કાળજે કરવત મૂકી ને બીજી એ પાડયા ચીર કાન તને….
એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યા
બીજીએ જોબન ધૂણીને માથે તારા અલખ જગાવ્યા
એકે તૂને ગોરસ પાયા, બીજીએ ઝેર કટોરા
કાન તને…..
પંચરંગી પાનેતર તુજવીણ રાધાએ કદિ ન પેર્યા
મખમલિયાં મલિર મીરાંના અંગે કદિયે ના લ્હેર્યા
એકે ઓઢી શ્યામ ઓઢણી બીજીએ ભગવા લીરા કાન તને….
મલક બધાનો મૂકી મલાજો, રાધા બની વરણાગણ
ભર્યો ભાદરો મૂકી મેડતો, મીરાં બની વેરાગણ
એક નેણની દરસ દીવાની, બીજી શબ્દ શરીરા કાન તને….
હું કોનો છું પૂછો એટલું મળે કયાંય જો રાધા
મળે કયાંય તો પૂછો મીંરાને કોને વ્હાલો માધા
મારે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરાં
મારે તો મીંરા-રાધા રાધા-મીંરા મારે તો
– કવિ દાદ