ઘરનું છત્ર બનીને જે રહેતા પપ્પા મારા.
રાતે વારતા રોજ એ કહેતા પપ્પા મારા.
ઘરથી વધીને શેરી સુધી લઈ જનારા,
પા..પા પગલી એ ભરાવતા પપ્પા મારા.
ઘરે પરત ફરે જ્યારે સાંજે ઓફિસેથી,
ભાગ બાળકો માટે લાવતા પપ્પા મારા.
યોગ, પ્રાણાયામ, આયુર્વેદના આગ્રહી,
કસરત અમને જે શીખવતા પપ્પા મારા.
હોય સમસ્યા શાળાની રૂબરુ આવતા,
ઉકેલ એનો શોધી નિવારતા પપ્પા મારા.
ભણાવતા અંગ્રેજીને ગણિત પણ મને,
શાંતિથી સઘળું સમજાવતા પપ્પા મારા.
બાગબગીચે રવિવારે ફરવાને લઈ જતા,
નાસ્તો કરાવીને એ હરખાતા પપ્પા મારા.
અગણિત છે ઉપકારો ના ભૂલાય કદી,
ગેરહાજરીમાં ખૂબ સાંભરતા પપ્પા મારા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.