લે હવે તું પ્રેમથી પાછો પુકારી દે મને.
ટોચ પરથી સાવ નીચે ઉતારી દે મને.
હું અજાણ્યા શ્હેરમાં આવી ગયો છું ભૂલથી,
દ્વાર ખોલી પ્રેમથી થોડું આવકારી દે મને.
હું હજું પણ જો તને પાછો ગમું એ શક્ય છે.
સ્હેજ વાતોમાં પહેલા જેવો વિચારી દે મને.
કોઇ સાથે ક્યાં કરી છે જો સ્પર્ધા કોઇ દી,
બસ મને મારાથી આગળ તું વધારી દે મને.
બસ તમન્ના એટલી મેં રાખી છે તારી કને ,
યાદ એવી એટલી એકા'દ પ્યારી દે મને.
આમ થોડી થોડી શું આપે છે કાયમ સજા ,
એકલી પીડા સતત તું એકધારી દે મને.
સ્હેજ પણ મેં પારકું રાખ્યું નથી તારા વિશે ,
તુય પણ થોડો ઘણો તારોય ધારી દે મને.
ક્યાંક મેં પણ ભીત પર વાચ્યું હતું એવું ઘણું,
શક્ય જો એ હોય તો એવી ખુદ્દારી દે મને.
વિસ્મય...