સૂરજે ધીમે-ધીમે ઉગવાની શરુઆત કરી દીધી છે,કૂકડો બાંગ પૂકારી રહ્યો છે,
પંખીઓનો કલરવ શરૂ થઇ ગયો છે,ચારેબાજુ શીતળતા પથરાઇ ગઇ છે...........
સમીસાંજે જ બંધ થઈ જતાં બજાર,કેમ જાણે આજે મોડી રાત સુધી ખુલ્લાં છે?
જ્યાં કાલ સુધી પડેલો હતો શોપો,ત્યાં આજ જ્યાં નજર જાય ત્યાં બસ દેખાય છે લોકો.
•કોણ જાણે?આવી રે દિવાળી!
દુકાનોની બહાર નિકળતાં એ હસતાં ચહેરાં,લઈને નવાં-નવાં કપડાં,
બહુ જલ્દી જ પૂજાવાનાં છે,શાહુકારોનાં ચોપડાં!
•કોણ જાણે?આવી રે દિવાળી!
દૂર શહેરમાં વસતાં બાળકોનાં પરત આવવાનાં પગલાં સાંભળતા જ,
બાં એ પડતો મૂક્યો એ ચૂલાં પરનો રોટલો,
કાલનો ખાલી પડેલો એ ઓટલો,
આજે લાગે છે ભર્યો-ભર્યો કેટલો!
•કોણ જાણે?આવી રે દિવાળી!
બનાવ્યાં છે બાં એ મિઠાઈ,ફરસાણ ને મુખવાસ,
અને ફેલાઇ ગઇ છે સમગ્ર ઘરમાં સુવાસ,
સુગંધ આવી રહી છે રસોડામાંથી સુંવાળીની,
હવે,મેં જાણ્યું....આતો તૈયારી ચાલી રહી છે દિવાળીની!
•આવી રે દિવાળી!આવી રે દિવાળી!
બન્યાં છે ઘેર-ઘેર મઠીયાં,
ને ટેણીયાઓ ખાઇ રહ્યાં છે,બનીને ગઠિયાં,
બાજુમાં મુકાઇ ગયાં છે આજે તો રમકડાં,
ને બસ ફોડાઇ રહ્યાં છે ફટાકડાં!
•આવી રે દિવાળી!આવી રે દિવાળી!
રોશનીથી ફેલાઇ ગયું છે બસ પ્રકાશ જ પ્રકાશ,
આજ તો નથી કોઇને કામનો અવકાશ,
ઘરનાં આંગણે પૂરાઇ ગઈ છે રંગબેરંગી રંગોળી,
બસ,હવે આવી રે દિવાળી!આવી રે દિવાળી!