નભોમંડળ લાગે દૈદીપ્યમાન છે આજે અશ્વિનનું,
તારલિયાની જમાત સંતાઈ હશે દુઃખ એને શાનું?
અવનીએ અજવાળાં પથરાયાં શરદ આગમનનાં,
અઢળક અમી વરસાવે ચાંદ તેજ ફેલાવી પૂનમનાં.
સામ્રાજ્ય રોશનીનું આભે શશિ સોળકળાએ શોભે,
પામવા પ્રેમીજનને કોઇ વિયોગી હશે ચંદ્રના લોભે.
આપે ઈજન ઈન્દુ રાધાને રાસ રચવાને કૈં કામણના,
અઢળક અમી વરસાવે ચાંદ તેજ ફેલાવી પૂનમનાં.
ઝાંખો પડ્યો હશે રખે સૂર પણ વિધુ રૂપ નિહાળીને,
ધવલ ચાદર બિછાવી ધરા પર જનની વસુધા ધારીને.
શીળાં કિરણો હરે સંતાપ જાણે જલ દીધાં નાવણનાં,
અઢળક અમી વરસાવે ચાંદ તેજ ફેલાવી પૂનમનાં.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર