હુ કોણ છુ ?
ઓળખ અને આત્મા વચ્ચે રહેલુ શરીર પુછે છે. હુ કોણ છુ ?
પોતાની દુનીયા માં પંડીત થઇ ને ફરતુ આ શરીર પોતાના મન ને ઓળખવા માં જ કેમ અભણ છે ?
ચોખ્ખા શરીર પણ મેલા મનવાળા આપણે અને ગંદા શરીર પણ ચોખ્ખા મનવાળા સાધુસંતો માં વધારે જ્ઞાની કોણ ?
(શ્રીમદ્ ભગવત્તગીતા : અધ્યાય 3 શ્ર્લોક 42)
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।।
इंद्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ।।
અર્થાત : મનુષ્ય નુ શરીર એક રથ છે અને તેની ઇન્દ્રીયો તેને ચલાવતા ઘોડા. જેમાં બુદ્ધિ છે રથ નો સારથી અને મન છે ઘોડા માં લાગેલી લગામ. જયારે રથ માં બેઠેલો રથી છે આપણી આત્મા.
મનુષ્ય ની ઇન્દ્રીયો પોતાની ઇચ્છા અનુસાર આમતેમ દોડ્યા કરે અને મન પણ તેને તે બાજુ જ હાંકયા કરે. પણ આ ત્યાં સુધી જ થાય જ્યાં સુધી મન પર કાબુ ના મળે. જો બુદ્ધિ મન ને આધીન ના રહી મન પર નિયંત્રણ કરે તો એ જ મન તમારા શરીરરુપી રથ ને પ્રભુ ચરણો માં લઇ જશે.
આ બધી જ મન ની મોંહમાયા છે. બિચારુ એકદમ નાના બાળક જેવુ છે. સારુ સમજાવતા અને શિખવાડતા આવડે તો એજ તમને ભવ પાર કરાવે અને ના શિખવાડી શકીએ તો ઘર ની બહાર જતા પણ અટકાવી દે.
આખા દિવસ ઉપવાસ પર રહેલા જીવ ની ભોજન ની સુવાસ થી ઇન્દ્રીય લલચાય અને તેની ઇચ્છા મન સુધી પહોંચાડે તો શુ ઉપવાસ નુ પુણ્ય મળે ખરુ ?
સતત 30 વર્ષ થી નિત્ય પુજાપાઠ અને માળા કરતી વૃદ્ધા ને તેની દ્ધષ્ટી (ઇન્દ્રીય) લોટ માં વધારે મોવણ નાંખતી વહુ પર રોજ અટકાવી દેતી હોય તો પ્રભુ તેને સાક્ષાત્ થાય ?
સારી ઇચ્છા થી મન ને સારા કર્મ તરફ વાળી પુણ્ય થકી પ્રભુ ને પામવા ની વ્યુહરચના ને સમજવા ની ઇચ્છા આખરે મને થઇ ખરી. ઇચ્છા થી લઇને પુણ્ય થકી પ્રભુચરણ ને પામવા માટે મન ના મહાસાગર માં ડુબકી તો હવે મારવી જ રહી.