વિધવા - એવી સ્ત્રી જેને આપણે ગંગા સ્વરુપ ગણીએ છીએ. પરંતુ શું ગંગા જેટલી પવિત્ર માનીએ છીએ? પહેલાંના સમયમાં સ્ત્રીનો પતિ ગુજરી જાય એટલે એણે સતી થવું પડતું. આ પ્રથા બંધ થઈ પછી એક નવી પ્રથા આવી. વિધવા સ્ત્રીએ ઘરનાં એક ખૂણામાં બેસી રહેવાનું. કોઈ શૃંગાર નહીં, કોઈ પણ રંગવાળી સાડી નહીં. માત્ર એક સફેદ સાડી આખો દિવસ પહેરી રાખવી. વિધવાએ કોઈને મળવાનું નહીં, કોઈની સાથે હસી મજાક નહીં કરવાની. શા માટે? માત્ર એટલા માટે કે એ કોઈ બીજા પુરુષ પર મોહી ન પડે કે કોઈ બીજો પુરુષ એનાં પર મોહી ન પડે. પાપ લાગે ને!
કેટલાંક સમાજમાં તો વિધવા સ્ત્રીનાં તમામ વાળ કાઢી નાખવામાં આવતાં હતાં, કે જેથી શરમની મારી એ વિધવા કોઈની સામે જ ન આવે કે પછી અન્ય કોઈ પુરુષ એનાં તરફ આકર્ષાય જ નહીં.
પરંતુ દરેક વાર તહેવારે અને પ્રસંગોએ ઘરમાં એક કામવાળી જેવા કામ એ વિધવા પાસે જ આવતાં હતાં. શું ત્યારે કોઈને એ વિચાર નહીં આવતો હોય કે એક તો એણે પોતાનો પતિ ગુમાવ્યો છે, બાળકોની જવાબદારી હવે એણે ઉઠાવવાની છે તો પછી એને આ રીતના ખોટાં રિવાજોનાં બંધનમાં શું કામ બાંધવું? શું આ જ નિયમ કોઈ પુરુષ માટે હતો? શું પત્ની મરવાની એને ખુશી થતી હતી? એક વિધવા સ્ત્રી હોય તો એણે પોતાનાં બધાં સપનાં, બધી ઈચ્છાઓ ત્યાગી દેવાની અને એક પુરુષે પત્ની મર્યા પછી ફરીથી લગ્ન કરવા. શું પુરુષ પત્ની વગર એકલા હાથે બાળકોને ન ઉછેરી શકે? એમને માટે સાવકી મા લાવવી જરુરી છે? અને આ સાવકી મા પણ પાછી કેવી - વિધવા ન હોય તેવી. પેલી છોકરીએ બિચારીએ પરાણે બીજવર સાથે લગ્ન કરવા પડે.
હવે પરિસ્થિતી થોડી સુધરી છે, પરંતુ સંપૂર્ણપણે નહીં. ઘણાં બધા કુરિવાજો એવા છે કે જેને બદલવાની તાત્કાલિક જરૂરત છે. એક વિધવા સ્ત્રીને ઘરનાં એક ખૂણામાં બેસાડી રાખવાને બદલે જો એનામાં કોઈ આવડત હોય તો એને તે પ્રમાણેની આવકનું કોઈ સાધન લાવી આપવું. એને આત્મનિર્ભર બનાવી આત્મ સન્માન સાથે જીવવા દેવી. એનાં સંતાનોમાં પણ માનો સંઘર્ષ જોઈને સારા સંસ્કાર
આપોઆપ આવી જશે.
અંતે એટલું જ કહીશ કે જે વિધવા સ્ત્રીનાં નામની આગળ આપણે ગંગા સ્વરુપ લખીએ છીએ એને ગંગા સ્વરુપ પવિત્ર પણ ગણીએ. એને ખોટા રિવાજોનાં બંધનમાં બાંધવાને બદલે એને આત્મ સન્માન સાથે રહેવાની વ્યવસ્થા કરી આપીએ.
#વિધવા