શિકાર - એ તો શિકારી કરે બરાબર ને? ના. કેટલાંક લોકો આત્મ સન્માનને ઠેસ પહોંચાડીને પણ શિકાર કરે છે. વાતવાતમાં અપમાનજનક શબ્દો બોલીને પણ સામેવાળાનો માનસિક શિકાર કરે છે. દરેક વાતમાં એમને ખરાબ શબ્દો કહેવા, એમની નાની નાની ભૂલ કાઢ્યા કરવી, વાતવાતમાં એમનું અપમાન કરવું - આ રીતે તેઓ સામેવાળાની માનસિક શાંતિનો શિકાર કરે છે.
શું આજનાં વાલીઓ પોતે જે કહે તે જ અભ્યાસક્રમમાં બાળકને ભણવાની ફરજ પાડીને એમની ઈચ્છાઓનો શિકાર નથી કરતાં? એકબીજાની ઈર્ષ્યા કરીને કે દેખાદેખી કરીને પોતાનાં ઘરમાં બિનજરૂરી વસ્તુઓ લાવીને પોતાનાં જ ખિસ્સાનો શિકાર થઈ જાય છે.
લેભાગુ કહી શકાય એવા લોકો અલગ અલગ પ્રકારની સ્કીમ રજુ કરી લાલચુ લોકોનો શિકાર કરે છે અને તેમને લૂંટી લે છે. કેટલાંક લોકો પૈસાદાર કુટુંબની છોકરીઓને પોતાની માયાજાળમાં ફસાવીને તેમનો શિકાર કરે છે, તો કેટલીક છોકરીઓ પણ શ્રીમંત કુટુંબના છોકરાઓને પોતાની મોહક અદાઓથી મોહિત કરી એમનો શિકાર કરે છે. આ બન્ને કિસ્સાઓમાં ખરેખર શિકાર તો માતા પિતાનો જ થતો હોય છે.
#શિકાર