ડેલીબંધ મકાન ના દરવાજાને સાંકળ
ક્યારેક ખખડશે તેવો વિશ્વાસ છે
નિરસ બની ગયેલા નિર્જીવ ફળિયા ને
શોરબકોર અને ગુંજારવ ની મોટી આશ છે
સુમશાન પડી રહેલા ઉંબરાને ઓળંગનારા
પગરવોના સ્પર્શો ની મોટી પ્યાસ છે
દીવાલોના બધિર બની ગયેલા કાનો
અવાજોના પડઘા સાંભળવા આતુર છે
દિવસ તો દિવસ રાતની આંખો પણ
ધીંગા મસ્તી માટે ઉજાગરા કરવા તૈયાર છે.
ધોમધખતા તાપમાં સુકાઈ ગયેલી
નદીના શ્વાસમાં વિશ્વાસ છે
વર્ષાઋતુ ના આગમનથી ભીંજાઈને
તરબતર થવાની મનમાં એક પ્યાસ છે
ધસમસતા વેગે સાગરની આહોશમાં
સમાય જવાની ઘેલછા અપરંપાર છે.
કપાસ માંથી બનેલી રૂની વાટ ના
હૃદયમાં વિશ્વાસ અપાર છે
દિવેલમાં ડૂબકી ખાઈ ભીંજાઈને
ઝગમગી ઊઠવાની એક પ્યાસ છે
પોતાની જ્યોત વડે અંધકારમાં
પ્રકાશ ફેલાવવાની ઘેલછા અપરંપાર છે.
#વિશ્વાસ