Gujarati Quote in Story by Sheetal

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સગાવાદ

રેડ સિગ્નલ થતા એક બ્લેક કલરની કાર ઉભી રહી. લોકડાઉન ને લીધે રસ્તા પર ટ્રાફિક નહોતો. "સાહેબ.....ઓ.. સાહેબ..." હિમતશેઠની કારની વિન્ડો પર ટકોરા પડ્યા. શેઠે વિન્ડો ગ્લાસ નીચે કરી જોયું તો ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરનો મોઢે માસ્ક બાંધેલો એક યુવક હાથમાં રંગબેરંગી માસ્ક લઈ ઉભો હતો. "શેઠ...તમે! આ બદનામ મહોલ્લામાં?"

હિમતશેઠે ચહેરા પર હાથ ફેરવ્યો ત્યારે યાદ આવ્યું કે એમણે પહેરેલું માસ્ક તો એ ત્યાં જ ભૂલી આવ્યા હતા જ્યાં એમણે રાત વિતાવી હતી. સામે ઉભેલો યુવક એ બીજું કોઈ નહીં પણ એમણે થોડા દિવસ પહેલા જ નોકરીમાંથી કાઢી મુકેલો રામપાલ બિહારી હતો જે એમના બંગલે ચોકીદારી કરતો હતો. પણ શેઠે પોતાના સાળાની સિફારીશ લઈને આવેલા સુખલાલને નોકરીએ રાખી ડ્યુટી દરમ્યાન ઝોકું ખાવાનું ખોટું આળ ચડાવી હિમતશેઠે રામપાલને ધક્કા મારી બંગલેથી કાઢી મુક્યો હતો.

હિમતશેઠના ચહેરા પર પરસેવો વળી ગયો, એમને લાગ્યું જો રામપાલ બદલો લેવા પોતાનું મોં ખોલશે અને એ અહીં આવ્યા હતા એમ જો કોઈને પણ કહેશે અને જો મિડિયા સુધી વાત પહોંચી ગઈ તો એમનું લગ્નજીવન તો ભાંગી પડશે સાથે એમના રાજકીય પદ પર પણ કાદવના છાંટા ઉડશે. અત્યાર સુધીની સાફ ઇમેજ પર ડાઘ લાગી જશે એટલે એમણે કુરતાના ખિસ્સામાં હાથ નાખી નોટોની થોકડી બહાર કાઢી અને એમાંથી બે હજારની પાંચ નોટો કાઢી રામપાલને આપતાં કહ્યું," હું અહીં આવ્યો હતો એની જાણ કોઈને પણ ના થવી જોઈએ, સમજ્યો, કોઈને પણ નહીં."

"શેઠ... અમે સ્વમાની જરૂર છીએ પણ સ્વાર્થી નથી. આ લ્યો માસ્ક અને ઢાંકી લો તમારો ચહેરો અને આ લ્યો તમારા રૂપિયા. તમારું નમક ખાધું છે તો નમકહલાલી કરીશ નમકહરામી નહીં. નચિંત બની જાઓ શેઠ કોઈનેય ગંધ નહી આવે કે તમે અહીંયા આવ્યા હતા. આ મહોલ્લાની જો એક પણ તવાયફને કોરોના થાયને શેઠ તો તમારા જેવી કેટલીય મોટી હસ્તીઓએ ક્વોરનટાઇન થવું પડે. તમે તો મને વગર કારણે એવડી મોટી સજા આપી તમારો સગાવાદ બાજી મારી ગયો. આ તો મારી ઘરવાળીએ ઘરે જાતે સીવીને બનાવેલા માસ્ક વેચીને ગુજરાન ચલાવીએ છીએ. પરસેવો પાડીને હકનો રોટલો મળી રહે એટલું કમાવી લઈએ છીએ." રામપાલે રૂપિયા સાથે માસ્ક પણ હિમતશેઠને આપ્યું. હિમતશેઠે નિઃશબ્દ બની વિન્ડો ગ્લાસ બંધ કર્યા ને ગાડી મારી મૂકી. આજે રામપાલ કરતાં હિમતશેઠ વામણા પુરવાર થયા હતા.

Gujarati Story by Sheetal : 111549937
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now