Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવો.
બેસો.
સામે નહીં, પાસે બેસો, કુમાર.
દીકરીનો બાપ
એનો પહેલો પ્રતિભાવ હોય ચિંતાસભર .
દીકરીનાં દામ્પત્યજીવન સંદર્ભે એ હોય છે
આશંકિત.
કારણ ...
સમાજમાં જોવા મળતા પ્રસંગો
અને એથીય વધુ તો પિતૃસ્નેહ.
દીકરીની સુરક્ષા માટે
હવે પછીની સફરમાં એ સાથે છે
પણ પાસે નથી.
ચાલુ વાહને હાથ ન બહાર કાઢે એ માટે
રીયર વ્યૂ મીરરમાં જોવામાં
અને
રસ્તા પર જોવામાં સતત સંતુલન સાધતો બાપ
હવે સોંપીને બેઠો છે સ્ટીયરીંગ વ્હીલ , અન્યને.
એની ચિંતા
તમે દીકરીના બાપ બનશો ત્યારે સમજાશે.

દરેક પરિવારમાં
દીકરીના ભવિષ્ય સંબંધે
સમાંતરે બે ઉછેરપધ્ધતિ ચાલે છે.
એમાં દીકરીને પાંખો આપી ઊડવાનું શીખવાય
ને
આંખો ખોલી સુરક્ષિત રહેવાનું પણ શીખવાય.
સવાલ અશ્રધ્ધાનો નથી, સ્નેહનો છે.
અને
અતિસ્નેહ હોય ત્યાં અશુભની જ શંકા પહેલી !
લાયસન્સ આવી ગયા પછીય
વાહન લઇને નીકળેલી દીકરી
ઘેર ન પ્હોંચે ત્યાં સુધીની મન:સ્થિતિ એવી જ.
તમને ને દીકરીનેય હસવું આવે છે ને
“ પ્હોંચીને ફોન કરજે “ કહું છું ત્યારે ?
પણ એ સૂચનામાં
એને સલામત પ્હોંચાડવાની પ્રાર્થનાય છે.
ડોક્ટર દીકરીનેય
માથું દુ:ખે ત્યારે કઇ દવા લેવી એવું કહે
એ જ માબાપ !

પુત્રી જન્મે ત્યારથી
પુત્રવધુ બને ત્યારે ઉપયોગી થાય એવી તાલિમ
આપવાનો સમય તો હવે ગયો.
પોતાના ઘેર હોય ત્યારથી
પારકા ઘેર જવાની ધારણા પણ હવે જશે.
પણ
દીકરી પગભર થાય એ ગમે
એમ એ ઘર પણ સરસ ચલાવે એ પણ ગમે જ.
ને એ માટેની તાલિમ માબાપ આપે છે.
હવે ઘર સાચવવાની તાલિમ મા જ આપે
ને બહારનું કામ પિતા જ શીખવે
એવુંય નથી.
પણ આ બંને કામમાં દક્ષતા જરુરી
આ વાત બંને સમજે છે.
રસોડામાં પૂરાઇ નથી રહેવાનું.
બહાર ફરતાય નથી ફરવાનું.
બંને કામ થઇ શકે
ઉત્તમ રીતે થઇ શકે.
કરી શકાય, કરાવીય શકાય.

દીકરીનાં જીવનમાં તમારું આવવું
પહેલાં ચોંકાવી ગયું.
ચિંતા કરાવી ગયું.
પણ પછી એનો સ્વીકાર પણ છે જ.
શ્રધ્ધા કેળવાતા થોડીવાર તો લાગે ને !
આપણા ડ્રાઇવીંગ પર મુસ્તાક હોઇએ
ને પછી
સ્ટીયરીંગ વ્હીલ કોઇને સોંપી દઇએ તોય
ટેવવશ પગ બ્રેક તો મારે જ છે ને !
તમને તમારું જજમેન્ટ હોય જ
તમનેય તમારા ડ્રાઇવીંગ પર વિશ્વાસ હોય જ
પણ
એવું ક્યારેક થાય તો તમારે ઓછું ન લગાડવું.

( દીકરીના બાપને કદી મોટરમાં જોડે ન બેસાડવા. )
- તુષાર શુક્લ

Gujarati Poem by Rinku Panchal : 111547650
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now