એક આ વેરણ ચોમાસુ ને બીજા આ તારા આંસુ , રહે બન્ને વરસતા ,
એક આ પાગલ મન ને બીજું આ અધિર હૈયું , રહે બન્ને તરસતા .
વ્રુંદાવનમાં રૂડો રાસ રચાયો ,
ગોપીઓ સંગ આનંદ મનાયો ,
એક આ વાદળો કાળા ને બીજી આ તારી રીસ , રહે બન્ને ગરજતા ,
એક આ કદમ્બની ડાળી ને બીજી આ તારી કેડ , રહે બન્ને લચકતા .
પવન દોડે વાદળ સંગે ,
રજની ઓઢે વીજ અંગે ,
એક આ તારલા આસમાનના ને બીજા આ તારા હોઠ , રહે બન્ને મલકતા ,
એક આ જામ મદિરાના ને બીજા આ તારા નેણાં , રહે બન્ને છલકતા .
બાગ બગીચા મહેંકી ઊઠે ,
ફૂવારા ઠેર ઠેર છલકી ઊઠે ,
એક આ પુષ્પો પલાસના ને બીજા આ તારા કેશ , રહે બન્ને મહેંકતા ,
એક આ મધુવન તણા ભ્રમરો ને બીજા આ તારા ગીત , રહે બન્ને ચહેંકતા .
એક આ કદમ્બની ડાળીઓ ને બીજાં આ તારા ઝાંઝર , રહે બન્ને ખનકતા ,
રાધા રાધા નામ જ્યાં ગુંજે ,
મધુવન સોળ શણગાર સજે ,
એક આ સ્વરો વાંસળીના 'જશ' ને બીજા આ તારા કાન , રહે બન્ને રણકતા .
એક કાનાના કુંડળ ને બીજી રાધાની પાયલનો ઝણકાર બન્ને ખણકતા .
એક આ ચોમાસુ ને બીજા આ તારા આંસુ , રહે બન્ને વરસતા .
કવિ શ્રી જશુ પટેલ