પ્રભાતે પેલો નભનો સ્વામી ઉગે,ને ધરણી ખીલી ઉઠે,
મિલન આ જોડનું નિહાળી તારી યાદ ના આવે, એવું તો કેમ બને?
ગૂંથેલી એ સમણાઓ ની હારમાળા તુજ સંગે,
પણ તુજ વિના હકીકત તણા મોતી એમાં પરોવું, એવું તો કેમ બને?
નિહાળી એ મસ્તીભર્યા આકાશે ઊડતી પેલી જોડને,
એની ઈર્ષા જો ના થાય એ જ પળે,એવું તો કેમ બને?
સ્નેહરૂપી ખીલતા પેલા પુષ્પોને માણવા તો બહુ ગમે,
પણ તુજ વિના એની સુવાસ મારા અંતરને સ્પર્શે, એવું તો કેમ બને?
નીકળું હું ખેડવાને એ જીવનરૂપી દરીયો,
મારી એ નૌકાનો નાવિક નમણો તું ના હોય, એવું તો કેમ બને?
હર્ષભર્યું રહે સદૈવ હૈયું મારું તારા એ નિસ્વાર્થ પ્રેમ થકી,
સ્વાર્થી બની હું જ તારી પ્રેમાળ લાગણીઓ દુભાવું, એવું તો કેમ બને?
અતૂટ હિસ્સો તું એવો કે હું ખુદને ખોજુ ને તને પામું,
પછી જીંદગી તણા મારા આ પુસ્તકમાં તારા પ્રકરણો ના હોય,એવું તો કેમ બને?
કરું હું યાદ એ પળો તુજ સંગે વિતાવેલી,
મારા નયન ભીના ના થાય એ જ ક્ષણે,એવું તો કેમ બને?
રૂડા ટમટમતા પેલા તારલાઓ ઓલી ચાંદની સંગે,
મિલનની એકમાત્ર કડી એવા ચાંદ થકી સંદેશો ના મોકલું તને, એવું તો કેમ બને?