માખણ ચોરીને બન્યો ચિત ચોરનારો
વસ્ત્ર ચોરનારો ને એજ ચીર પુરનારો
વાસળી વગાડીને રાસ રમનારો કાનો
એ જ બન્યો યોગેશ્વર ગીતા ગાનારો
રણછોડ રણ છોડતાને નપુંસક ગણાવે
કુરુક્ષેત્રમાં ભાઈ થી જ ભાઈને હણાવે
રણમેદાને લોહીની નદીઓ રેલાવે ને
તોય ગીતામાં કરુણાનાં પાઠ ભણાવે
એને જોવા કમાડ ઉઘાડા છોડવા પડે
આમ આંખે પાટા બાંધી કૃષ્ણ ના જડે
દિવ્ય દ્રષ્ટિ કરીને જો તો દેખાય વિશ્વરૂપ
કાંતો ઝેરનાં પ્યાલા હરખે પીવા પડે
કૃષ્ણ તણો પ્રેમ રંગ એમનેમ ના ચડે
કૃષ્ણ વિચારોથી એ રંગ ઘોળવો પડે
અર્જુન જેવા સવાલો ઊભા કરી તો જો
ગીતા કહેવા તો એને આવવું જ પડે
- જ્યુ