courtesy: jagruti buch, junagadh.
કાળું ટપકું
***
સરસ ગલગોટા જેવું બાળક હોય,ખીલખીલાટ હસતું હોય અને એના કપાળના ખૂણે અથવા કાન પાસે કાળું ટપકું, નયણુ કરી દઈએ, નજર ન લાગે. ત્યાં સુધી બરાબર પણ પછી પરસેવો, હાથ હલાવ્યા કરે અથવા રડે એટલે એ ટપકું પ્રસરે..
હવે સરસ હસતું રમતું કુટુંબ હોય, હળીમળીને રહેતાં હોય, સાથે અથવા અલગઅલગ - પણ સંપીને રહેતાં હોય એમાં એક પાત્ર અચૂક કાળા ટપકાં જેવું હોય જ.
રજામાં, તહેવારમાં કે અમસ્તાં જ બધાં ભેગાં થયાં હોય, પંગત પડી હોય, બધાં સાથે જમતાં હોય, રસોડાંના ઇન્ચાર્જનાં વખાણ થતાં હોય ત્યાં કાઇડું ટપકું વાંધા કાઢશે, 'આ શાક ટેસ્ટલેસ છે,દાળ જાડી કે પાતળી થઇ ગઈ છે,સેલેડ જાવડ ભાવડ કાઈપૂ છે ! '
આ ટપકું કોઈપણ હોઈ શકે. દીકરો કે દીકરી પણ હોઈ શકે, વહુ કે જમાઈ પણ હોઈ શકે, પણ એક નઈણુ દરેક ઘરમાં હોય.
ઘરમાં સારો પ્રસંગ હોય, તૈયારી ક્યારની શરુ થઇ ગઈ હોય, એ ટપકાંને પણ ખબર હોય,પણ ત્યારે ચૂપ રહે, બધું પૂર્ણ થવાને આરે હોય અને પ્રસંગ શરૂ થવાનો હોય એટલે ટપકું પ્રસરે અને દેખાવ બગાડવાની શરૂઆત થાય ! મને કોઈએ આ વાત ન કરી, બધું ફલાણાને સોંપી દીધું ! મને વિશ્વાસ માં ન લીધો કે લીધી !
હવે તો આ બધું નાટક ઝાઝું નથી ચાલતું, બાકી આપણી પેઢી આવા અનેક પ્રસંગની સાક્ષી છે, ફઈ અથવા ફુવા, કાકા અથવા કાકી- કોક એવું વટકે ઘરના લોકો માફી માંગે, વિનવણી કરે ને પછી પ્રસંગની શોભામાં ફુંગરાઈને અભિવૃદ્ધિ કરે !
આમ જ બધા મિત્રો જ ભેગા થયા હોય, એવો તો ખુશનુમા માહોલ જામ્યો હોય ને ટપકું છટકે ! હોટલમાં જમતા હોય તો વેઈટરને ખખડાવે,કોઈના ઘેર બેઠા હોય તો ત્યાં વાંકુ પડે- ઓલી આમ કેમ બોલી, ઓલો આવી મજાક કેમ કરી જ શકે !
માત્ર સારા પ્રસંગ જ નહિ, ગંભીર માંદગી હોય, ખબર કાઢવા આવ્યા હોય એમાં ચા મોળી છે કે ગળી થઇ ગઈ છે કરીને ખબર લઇ નાખે !
હવેની પેઢી આ બધી પરવા જ નથી કરતી. જમાઈ કે વહુ વટકે અને જતા રહેવાની ધમકી આપે તો સ્ટેશન મુકવા જાય ! અને હવે એ સંબંધો પણ એવા ગજગ્રાહ ભર્યા નથી રહ્યા, પણ....સ્વભાવનું શું કરવું ! કુટુંબમેળો હોય તો હવે બધાંને કહી દેવાનું, જો વાંકુ પાડી ને જાવ તો ઠીક ત્યારે, જેવી તમારી મરજી ! બધાં સાથે જમવા બેસે ને ખોડ કાઢે તો ભાઈ હોય તો એમના ખર્ચે હોટલમાંથી મંગાવી લેવાનું, બહેન હોય તો એને જ રસોડું સોંપી દેવાનું અને બીજીવાર બોલાવવાની ભૂલ નહિ કરવાની.. બાકી આવાં કાળા ટપકાં તો રહેવાનાં.