ધર્મમાં માનવું કે ન માનવું એ દરેક વ્યક્તિની પોતાની મરજી પર આધાર રાખે છે. કયા ધર્મમાં માનવું એ પણ વ્યક્તિ પર જ આધારિત છે. પણ ધર્મમાં એટલા બધા પણ ખોવાઈ ન જવું કે આપણે ધર્માંધ થઈ જઈએ. આ પરિસ્થિતી આપણને બીજા ધર્મ પ્રત્યે નફરત ઊભી કરતા શીખવે છે. જે ખરેખર ધર્મ સમજે છે તે તમામ ધર્મોને માન આપે છે. ધર્માંધ વ્યક્તિ અન્ય ધર્મને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. હકીકત એ છે કે દરેક ધર્મ પોતાની રીતે સાચો જ છે.
ભગવદગીતામાં શ્રી કૃષ્ણએ તો કહ્યું જ છે સાચો ધર્મ તો કર્મ જ છે. તમે તમારું કર્મ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી કરો એનાથી મોટુ કોઈ ધાર્મિક કાર્ય નથી. ધર્માંધ નહીં પણ કર્મમાં અંધ બનો. કહેવાય છે ને કે જેણે કર્મ સમજી લીધું એણે ધર્મ સમજવાની જરુર નથી. તમે કોઈ પણ ધર્મમાં માનો પણ ફ્ળ તો તમને તમે પોતે કરેલા કર્મોને આધિન જ મળવાનું છે.
ધર્મ એ નથી શીખવતો કે કોઈ અન્ય ધર્મનું છે એટલે એનાથી દૂર રહો કે પછી એને મદદ ન કરો. આ તો ધર્માંધ લોકોનું કામ છે. જેને પોતાનો ધર્મ ખબર છે એને ખબર જ છે કે માનવતાથી મોટો અન્ય કોઈ ધર્મ નથી. જીવમાત્ર પ્રત્યે દયા એ જ દરેક ધર્મનો ઉપદેશ છે.
#ધર્માંધ