બાજ - સૌથી ઊંચે ઊડનાર પક્ષી. એક વાત શીખવે છે કે જેટલું ઉચ્ચ પદ મળે એટલા એકલા પડી જવાય. પણ હિંમત હાર્યા વિના પોતાના કામમાં વ્યસ્ત રહો. કામમાં વ્યસ્ત રહેવાથી અન્ય લોકો શું કરે છે કે કહે છે તે તરફ ધ્યાન જતું નથી.
બાજ બીજી વાત એ શીખવે છે કે પોતાની જાત પર ભરોસો રાખો. સાચા અને ખોટાને ઓળખતા શીખો. ઉચ્ચ પદ મેળવ્યા બાદ તમારી ઈર્ષ્યા કરવાવાળા પણ મળશે, ચાપલુસી કરવાવાળા પણ મળશે અને ખરેખર તમારું ભલુ ઇચ્છતા હોય એવા શુભચિંતક પણ મળશે. જો પોતાની જાત પર વિશ્વાસ હશે તો કોઈ પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં.
બાજ ત્રીજી વાત એ શીખવે છે કે આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ધ્યાન તો પોતાના લક્ષ્ય પર જ હોવું જોઈએ. આટલી ઊંચાઈએ ઊડવા છતાં પણ બાજ પોતાનાં શિકારને ખૂબ જ સરળતાથી જોઈ શકે છે. આ જ રીતે ઉચ્ચ પદ મેળવ્યા બાદ પણ આપણે એનું અભિમાન ન કરવું જોઈએ. ઉચ્ચ પદ મળ્યું એટલે લક્ષ્ય સધાઈ ગયું એવું માનવાની ભૂલ ન કરવી. હકીકતમાં તો હવે જ મહેનત કરવાનો સમય શરુ થાય છે. બાજ જાણે છે કે એ ગમે તેટલી ઊંચાઈએ હશે પોતાનુ પેટ ભરવા તો નીચે ઉતરવું જ પડશે. એ જ રીતે ઉચ્ચ પદ મેળવ્યા બાદ જો અભિમાનમાં આવી જશો તો પછડાટ ખાતા વાર નહીં લાગશે, અને જો મહેનત કરશો તો ટકી રહેશો. આપણે આપણી નજર પણ બાજનજર રાખવી પડશે. કોઈ આપણો ગેરલાભ ન ઊઠાવી જાય કે આપણને કોઈ બાબતમાં ફસાવી ન જાય તેનુ પણ ધ્યાન રાખવું પડશે.
જે રીતે બાજ પાંખો ફફડાવ્યા વગર અને કોઈ પણ અવાજ કર્યા વગર પોતાનું કામ કરે છે તેમ આપણે પણ આપણને મળેલ કાર્ય કોઈ પણ જાતના કકળાટ વગર પૂર્ણ કરવું જોઈએ. એ યાદ રાખવું કે જે પોતાના કામને પસંદ નથી કરતાં એ અન્ય પક્ષીઓની જેમ ટોળામાં રહીને કકળાટ કરે છે અને જેને પોતાનુ કામ ગમે છે એ બાજની જેમ એકલા હોવા છતાં પણ ક્યારેય કંટાળીને અટકી જતા નથી.
#બાજ