સહેલું કંઈ નથી આજના સમયમાં. જીંદગી પણ સહેલી નથી. એને બચાવવા માટે પણ ઘણાં પ્રયત્નો કરવા પડે છે. જે સહેલું છે તે છે કોઈનું અપમાન કરવું, કોઈને અપશબ્દો કહેવા. પણ પછી પાછળથી જ્યારે અફસોસ થાય છે ત્યારે માફી માંગવાનું કામ સહેલું નથી.
આપણે ઉત્સાહી હોઈએ ને તો જ કામ સહેલું બને નહીં તો પુરુ કરતાં માણસ કંટાળી જાય.
નવી નવી થયેલ અને થઈ રહેલ શોધોએ માનવીની રહેણીકરણી ખૂબ જ સરળ બનાવી છે જેથી માનવી માટે ઘણું બધું કામ સહેલું બન્યું છે. અવનવા મશીનો શોધ્યા, જેણે માનવીનું મહેનત માંગી લેતું કામ સહેલું બનાવ્યું. જેમ દરેક સારી બાબતની એક નબળી બાજુ હોય છે તેમ આ શોધોની પણ છે. કેટલીક એવી શોધો પણ થઈ જેણે બે વ્યક્તિઓ કે બે દેશો વચ્ચે અંતર ઊભું કરવાનું સહેલું બનાવ્યું.
જીવનમાં કંઈક સહેલું બનાવવું જ હોય તો પોતાનું વ્યક્તિત્વ એવું સહેલું બનાવો કે કોઈ પણ તમારાથી પ્રભાવિત થઈ જાય, તમારી સાથે વાતચીત કરતાં કે કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં નાનમ ન અનુભવે. એટલું સરળ જીવન જીવો કે પોતાના જ બાળકોને કોઈ પણ વાત સમજાવવાનું સહેલું થઈ જાય.
એક શિક્ષકનું આચરણ એટલું સરળ હોવું જોઈએ કે બાળક એનાથી પ્રભાવિત થઈ જાય. એની ભણાવવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે નબળામાં નબળો વિદ્યાર્થી પણ ભણતર ખૂબ જ સહેલું છે એવું સમજવા માંડે.
કોઈ જિદ્દી વ્યક્તિને પોતાની વાત સમજાવવા માટે શકય એટલું સહેલું ઉદાહરણ આપવું પડે કે જે એ વગર વિચાર્યે સ્વીકારી લે.
દરેક જગ્યાએ સહેલું પડે એવું મળી રહે એવું ન પણ બને, તો ક્યારેક થોડી મુશ્કેલી માટે પણ તૈયાર રહેવું પડે.
#સહેલું