જેનામાં કંઈ પણ કામ કરવાની કોઈ દાનત જ નથી ને તે જીવતો મૃત બરાબર જ છે. એ ન તો પોતાના માટે કંઈ કરી શકશે ન તો સમાજ માટે.
સમાજમાં કે કામના સ્થળે આપણે ઘણાં એવા લોકોને જોઈએ છીએ કે જેમને કંઈ પણ કામ સોંપો તો એવું વર્તન કરશે કે જાણે આપણે કોઈ મોટો ગુન્હો કરી નાખ્યો હોય. આવા વ્યક્તિ હોય ના હોય બધું સરખું જ છે.
એમ તો કેટલાયે લાચાર લોકો છે કે જે જીવવા માટે મજબૂર છે. એમની પાસે કંઈ જ નથી સિવાય કે જીવન. એઓ તો પોતાને મૃત સમજીને જ ચાલે છે.
કોમામાં સરી પડેલ માનવી, એ પણ જીવતો મૃત છે, ખબર જ નથી એ કોમામાંથી બહાર આવશે કે અંતે મૃત જાહેર થશે. બ્રેઈન ડેડ વ્યક્તિ પણ મૃત બરાબર જ હોય છે. એમનાં માટે બધા એક જ પ્રાર્થના કરે છે કે ક્યાં તો એને જલ્દી સારા કરો ક્યાં જલ્દી આ પીડામાંથી છૂટકારો આપો.
દરરોજ છાપામાં વાંચવા મળે છે કે એક નિષ્ઠુર જનેતાએ બાળકને જન્મ આપી તરછોડી દીધું. આ માતાની લાગણીઓ મૃત અવસ્થામાં છે. બની શકે કે એની કોઈ મજબૂરી હોય! પણ આવી? પોતાના બાળકને જન્મ લેતાં સાથે જ મૃત હોય તેમ ત્યજી દેવાનું. અરે! આખા સમાજને ત્યજી દેવાય પણ જેનો વાંક જ નથી એ બાળકને કેવી રીતે તરછોડી દેવાય?
મૃત અવસ્થાએ પહોંચેલ પ્રાણીને જોઈને પણ મન દુઃખી થઈ જાય. એ પોતાની પીડા ન તો કોઈને કહી શકે કે ન તો સહન કરી શકે.
જે રીતે આજકાલ છૂટાછેડાનાં કિસ્સા વધે છે, એ જોતાં એક જ વિચાર આવે છે કે લાગણી મૃત અવસ્થાએ પહોચી છે કે સમજણ. હું તો એક જ વાત સમજુ છું કે સંબંધો મૃત અવસ્થાએ પહોંચે એ પહેલા જ યોગ્ય પગલાં લેવા જરુરી છે.
#મૃત