હિંમત હોય તો કંઈ પણ કરાય. જ્યારે ઉપરવાળો ભગવાન તમારા પક્ષમાં હોય ત્યારે ડરવાની જરૂર પડતી નથી. હિંમત આપોઆપ જ આવી જાય છે. પણ શ્રદ્ધા મનથી હોવી જોઈએ, માત્ર જરૂરિયાત પ્રમાણે નહીં.
તમે જ્યારે શૂન્યમાંથી સર્જન કરો ત્યારે પણ તમારી હિંમત જ બતાવો છો. જો વ્યક્તિ મનથી મજબૂત હોય તો એ કોઈ પણ જગ્યાએ પાછો નહીં પડે. હિંમત વધારવાનો સૌથી સરળ ઉપાય છે - મનથી મજબૂત બનવું.
નાના હોઈએ ત્યારે આપણે જ્યારે સાયકલ શીખતા હોઈએ છીએ ત્યારે શરૂઆતના બે ત્રણ દિવસ કે ચાર પાંચ દિવસ થોડી બીક લાગે છે પણ પછીથી તો હિંમત આવી જાય છે. આપણને શીખવનાર માત્ર એક જ કામ કરે છે, આપણને મનથી મજબૂત બનાવવાનું. આવું જ અન્ય વાહનો શીખતી વખતે પણ થાય છે.
એક નાનું બાળક જ્યારે બગીચામાં પહેલી વાર જાય છે ત્યારે ત્યાંના રમત ગમતનાં સાધનો વાપરતાં એને બીક લાગે છે, પણ જ્યારે એનાં માતા પિતા એને હિંમત આપીને પોતાનામાં વિશ્વાસ ઊભો કરાવે છે ત્યારે એ ગભરાયા વગર તમામ સાધનોની મજા માણે છે.
આપણું કોઈ અતિ પ્રિય સ્વજન કોઈ મુસીબતમાં મુકાય છે ત્યારે આપણામાં અસાધારણ હિંમત આવી જાય છે. ઘણાં બધા લોકો સામે બેઠા હોય અને આપણે આપણાં વિચારો રજુ કરવાનાં હોઈએ ત્યારે પણ હિંમત રાખવી પડે છે. સામે આવતા પ્રશ્નોનો જવાબ આપવાની પણ હિંમત રાખવી પડે છે. આપણે દર વર્ષે જોઈએ છીએ કે સરકાર પણ અસાધારણ હિંમત બતાવવા બદલ સામાન્ય નાગરિકોનું સન્માન કરે છે.
સૌથી વધુ હિંમતની જરૂર તો ત્યારે પડે છે જ્યારે તમે સમાજ કે સંસ્થા દ્વારા બનાવી દેવાયેલા નિયમોથી વિરૂદ્ધ જઈને કંઈક અલગ કરો છો, કારણ કે એમાં સ્વીકાર ઓછો અને વિરોધ વધારે હોય છે. આવી વખતે તમારે પોતાની જાત પર વિશ્વાસ રાખી હિંમતથી આગળ વધતા રહેવાનું છે. આંખ આડા કાન કરવા જ પડે નહીં તો હિંમત હારી જવાય છે.
ભલે કહેવાતું હોય કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ પરિવર્તન તેમજ તે કરનારને સમાજ જલ્દી સ્વીકારતો નથી. ખૂબ ઓછા એવા હિંમતવીર હોય છે જે કંઈક અલગ કરી બતાવે છે.
બસ કામની શરૂઆત એકલાએ કરવી પડશે. હિંમત માત્ર કામ પુરુ કરીને એમાં સફળતા મેળવવાની છે, પછી તો બધા સાથે આવવાના જ છે.
#હિંમત