સ્ટેપ બાય સ્ટેપ " અપેક્ષિત " ટુ યોગા :
આ ફરી યોગા દિવસ આવ્યો. તમે કોઈ દહાડો યોગા કર્યું નથી ને ?નાનપણમાં ગાઈડ ને બદલે અપેક્ષિત વાંચી ને પાસ થતાં ને ? તો મારે તમને સારા લેખક તરીકે યોગ વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે આ નાનકડું અપેક્ષિત બહાર પાડ્યું છે.તો ધ્યાન થી સાંભળો :
૧. યોગા એટલે જરૂરી છે કે યોગ કરશો તો તમે યોગી ગણાશો. આમેય તે આપણા દેશ માં યોગી, ભોગી, જોગી અને ઢોંગીઓ નું ખૂબ માન છે. તો તમારો મરતબો વધારવા યોગ શરૂ કરો.
૨. હવે એમ કંઈ તમે મક્કમ મનોબળ ના છો નહીં કે યોગા ચાલુ કરી શકો. એટલે સૌ પ્રથમ તમે કોઈ પ્રખર યોગી નો ફોટો જુવો, ( ના મળે , તો મારા જેવા પ્રખર જ્ઞાનીનો ફોટો જોશો તો ય ચાલશે ! ) જેનાથી તમારા અંગ અંગ માં યોગ નો ચેપ પ્રસરશે . અને તમને યોગ કરવાનું મન થશે.
૩. કોઈ દિવસ તમે શરીર હલાવ્યું નથી, એટલે એમ તમને બધા આસનો કરતાં નહિ ફાવે. શીર્ષાસન જેવાં સહેલાં આસન કરીને બેસી નથી રહેવાનું. એક અઘરું, સૌથી અગત્યનું શવાસન શીખી જાવ એટલે તમે સાબરમતી નાહ્યા
૪. હવે યોગ શીખવાનું મૂળભૂત કારણ સમજો. યોગ થી હેપ્પીનેસ આવે છે અને હેપીનેસ પીઝા અને પાસ્તામાં છે. તો યોગ કરવાથી પીઝા અને પાસ્તા ખાઈ શકશો.
હવે બધો ખ્યાલ આવી ગયો ને ? કેક , પેસ્ટ્રી ને આઈસ ક્રીમ ખાવા કયા આસન કરવા , અે પૂછી ને મારું માથું ના ખાઈ જતાં. હું એક સ્ત્રી છું, અને સ્ત્રી ઓ ને માથે ટાલ સારી ના લાગે , સમજ્યા ને !
બસ તો હવે કરો " યોગ " ના !! અને કોઈ પણ જાતની હજી પણ મુંઝવણ હોય તો બેઝિઝક... મને પૂછવા ના આવી જતા. થોડું જાતે ફોડો ને ! મને તો આ પુસ્તક ની રોયલ્ટી પણ કોઈ આપવા તૈયાર નથી !
સારું ત્યારે કાલે તમારા સૌ ના દુઃખતા શરીરે ફરી મળશું.
ત્યાં સુધી....
ઓ.................... મ !!