કોરોના, વાવાઝોડું, અતિવૃષ્ટિ જંગલોમાં આગ અને ભૂકંપ- આ બધું શું થવા બેઠું છે? બધાને આ પ્રશ્ન સતાવી રહ્યો છે. આટલી પ્રાકૃતિક વિપદાઓ શું પરમાત્માના કોપની નિશાની છે? જવાબ છે- ના. પ્રકૃતિ એ જ પાર્વતી. પરમ તત્વ સાથે જોડાયેલી શક્તિ. મા ક્યારેય એના બાળક પર કોપાયમાના થાય જ નહીં, પરંતુ પ્રકૃતિનો પોતાનો નવીનીકરણ કરવાનો એક અનોખો અંદાજ છે. આપણે ભૂલી જઇશે છીએ કે પરમ તત્વ શિવસર્જન સ્થિતિ અને લયના કર્તા છે. જો સૃષ્ટિનો લય થાય જ નહીં તો નવું સર્જન શી રીતે થશે? માટે જ શિવજીનાં લલાટ પર સ્મશાનની ભસ્મ જોવા મળે છે. ગુરુનો માર, પિતાનો ક્રોધ, માતાનો ઠપકો અને સર્જનહારનું રૌદ્ર રૂપ આ ચારેય વસ્તુઓ માંગલ્યદાયી જ ગણાય.
કોરોના વાસ્તવમાં કરુણા છે. પૃથ્વીનું અને જીવસૃષ્ટિનું શુદ્ધિકરણ કરવાનો પ્રયાસ છે. આ રીતે મા ચિતિશક્તિ પૃથ્વીને નવજીવન બક્ષે છે. માટે જે કંઇ બની રહ્યું છે તેને ઇશ્વરનો કોપ કે મનુષ્યજાતના ગુનાઓની સજા તરીકે જોવાને બદલે પરમ તત્વની લીલા માનીને હિંમતપૂર્વક તેનો સ્વીકાર કરીએ. આપણે શિવજી દ્વારા થયેલું નિર્માણ છીએ. જેના કંઠમાં વિષ હોય, ગળામાં નાગરાજ હોય અને ભાલ ઉપર આણ્વિક ભસ્મ હોય એનાં સંતાનોને મૃત્યુનો ભય કેવો?
--ઓમ નમઃ શિવાય--
*ડો. શરદ ઠાકર*