વિચાર એ વ્યક્તિત્વના પાયાની ઈંટ છે. દરેક વખતે જો મગજમાં એમ આવે કે હું આની સાથે આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ તો પોતાના જ કામ બાકી રાખશો. આને કહેવાય નિર્દય - પોતે જ પોતાના માટે.
દરેક વખતે કંઈ બીજાને મારવું કે કોઈની હત્યા કરવી, કોઇના પર અત્યાચાર કરવો એ નિર્દય હોવાની નિશાની નથી, ક્યારેક કોઈ ન કરવાનાં કામો પાછળ થતો સમયનો બગાડ પણ નિર્દયતા જ છે. જ્યારે કોઈ બાળકનો કાન વીંધી તેમાં બુટ્ટી પહેરવાની હોય ને ત્યારે બાળકની મા એ દ્રશ્ય જોઈ શકતી નથી, પરંતુ એનાથી એ કાન વીંધી આપનાર નિર્દય નથી બની જતો. બાળક બિમાર હોય અને એને કડવી દવા પીવડાવો, એની મરજી વિરૂદ્ધ, એનાથી કંઈ નિર્દય નથી બની જવાતું. એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિના ભલા માટે થોડુ કષ્ટ એને આપવું પડે તો એનો અર્થ એ નથી કે સામેવાળી વ્યક્તિ નિર્દય છે. એનાં આવા વર્તન પાછળનો એનો આશય શું છે એ જાણવું જોઈએ. જો માત્ર પોતાની મજા ખાતર લોકોને હેરાન કરવામાં કોઈ આગળ પડતું હોય તો એનાથી મોટો નિર્દય કોઈ નથી.
જંગલમાં કોઈ સિંહ એક હરણને મારીને ખાઈ જાય તો આપણે એમ ન કહી શકીએ કે એ નિર્દય છે, કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે. એક માતા જ્યારે પોતાના બાળકની ભૂલ પર એને કોઈ સજા કરે તો ઘરનાં બધાએ એને સહકાર આપવો જોઈએ. એ માતા નિર્દય નથી, એ પોતાના બાળકને સાચો રસ્તો જ બતાવી રહી હોય છે. બાળક જ્યારે પહેલી વખત કોઈ ભૂલ કરે ત્યારે એને પંપાળવાને બદલે થોડા નિર્દય બનીને હળવી તો હળવી પણ એને સજા આપો, જેથી ભવિષ્યમાં એ ભૂલનું પુનરાવર્તન ન કરે. જો બાળકની દરેક ભૂલ પર એકદમ સખ્તાઈથી વર્તન કરશો તો એ તમને નિર્દય માનીને તમારુ સાંભળતો જ બંધ થઈ જશે.
માટે નિર્દય હોવું, નિર્દય બનવું અને નિર્દય હોવાનો ડોળ કરવો - આ ત્રણેય અલગ અલગ બાબતો છે, જે પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.
#નિર્દય