Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

So what?

આ વાક્ય તમે ઘણીવાર સાંભળ્યું હશે, બોલ્યાં હશે પણ, આજે હું આ વાક્યનો એક નવો જ પ્રયોગ કરવાની છું!

બહું મોટા મોટા દુખનો ઈલાજ થઈ શકે છે આ નાનકડા બે શબ્દના વાક્યથી! વિશ્વાસ નથી આવતો ને પણ એ ખરેખર શક્ય છે. તમે એક રમત રમો તમારી જાત સાથે. તમને જે કોઈ તમારા ભૂતકાળની ઘટના વારંવાર હેરાન કરતી હોય, દુખ આપતી હોય એને યાદ કરો અને એને ઘાંટો પાડીને કહી દો, સો વૉટ? એમાં શું મોટી વાત છે? જે ઘટવાનું હતું એ ઘટી ગયું, પતી ગયું અને હવે મને એનાથી કોઈ ફરક નથી પડતો! એકની એક ઘટનાનો શોક ક્યાં સુધી મનાવવાનો?

તમે આગિયારમાં ધોરણમાં નાપાસ થયેલા અને તમારે સાયન્સ છોડી કોમર્સ લેવું પડેલું. સો વૉટ? તમે જે છોકરીને દિલ ફાડીને ચાહતા હતા એ રક્ષાબંધને રાખડી બાંધવા આવી અને તમે એને ‘ના’ ન કહી શક્યા, હજી એ તમને ક્યારેક મળી જાય તો પૂછે છે, ‘કેમ છો ભાઈ?’ અને એ શબ્દો તમારા હૈયા પર કરવત ફેરવે છે, સો વૉટ? દુનિયાના તમે એ છેલ્લા કે પહેલા માણસ તો નથી જ જેણે આવું દુખ વેઠયું હોય. કેટલાય આવ્યા અને કેટલાય ગયા, સો વૉટ? તમારા બાપુજી તમને સમજી ના શકયા. સો વૉટ? તમે તમારા બાળકોને સમજી લો! તમારી મમ્મીને હંમેશા એ અફસોસ રહ્યો કે કાશ તમારા બદલે ભગવાને એને એક દીકરો આપ્યો હોત, સો વૉટ? તમારી મમ્મી જૂના જમાનાની અને જૂના ખયાલો વાળી હતી એનું આજે શું છે? તમે સાસરીમાં પગ મૂક્યો કે તરત જ તમારા સાસુએ તમને મેણું મારેલું, આ કાળીમાં મારો દીકરો શું જોઈ ગયો! સો વૉટ? ગર્વ લો કે તમારો રંગ નહીં પણ તમારા ગૂણ જોઈને તમારા જિવનસાથીએ તમારી પસંદગી કરી છે! મારો દીકરો મારી પાસે નથી રહેતો, સો વૉટ? ભલું થયું ભાંગી જંજાળ, હવે જલસા કરી લો. હું જે કરવા ધારુ છું એ મારા જીવનમાં ક્યારેય શક્ય બનતું નથી, સો વૉટ? હજી જિંદગી તો તમારી સાથે છે ને, તમે જીવી રહ્યા છો, સાજાસમા છો એ કોઈ ચમત્કારથી કમ છે? આનંદ કરો!

‘સો વૉટ..?’ આ નાનકડું વાક્ય તમારા જીવનની એ સઘળી દુખદ ઘટનાને, ક્ષણોને કહી દો અને એને જવા દો... યેસ, એને જવા દો. લેટ ઇટ ગો! ક્યાં સુધી તમારી મુઠ્ઠીમાં એ બધુ પકડી રાખશો અને દુખી થયા કરશો? યાદ રાખજો દુખ તમને ક્યારેય નથી બાંધતું તમે જ દુખને બાંધી રાખો છો, તમારી ખાલી મુઠ્ઠીમાં! ખોલી દો એને. જે ઘટનાને યાદ કરીને દુખ મળતું હોય એને યાદ જ શું કરવા કરવાની? સીધી ને સટ વાત છે. જે થઈ ગયું એ સમયમાં પાછા જઈને આપણે કશું જ બદલી નથી શકતા તો એ સમયમાં દુખી થવા વારંવાર પાછાં શા માટે જવાનું?

મારી હજી એટલી ઉંમર નથી થઈ કે હું બધાને કોઈ ઉપદેશ આપી શકું કે મને એમ કરવું ગમતું પણ નથી. જિંદગી જીવવાના મારા કેટલાક વિચિત્ર ફંડા છે અને સાચું કહું તો એ મારા ખૂબ કામમાં આવે છે અને બસ, એ જ મારા લખાણમાં ઉતરી આવે છે.

અમસ્તું,
ભરત: નિમલા મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો?
નિમેષ: સો વૉટ?
ભરત: તુય ખરો છે યાર! મને દિલાસો આપવાને બદલે કેવી વાત કરે છે?
નિમેષ: ભરતા... એમાં શું દિલાસો આપવાનો? ખુશ રહે કે તું હજી જીવતો છે અને કોરોના સાથેય સ્વસ્થ છે!

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111469048
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now