#ઝડપી
પોતાના સગા મોટાભાઈની ફેકટરી હતી એમાં રાજેશભાઈ કામ કરતા. જો કે મોટાભાઈના મૃત્યુ પછી ફેક્ટરીનો બધો કારભાર રાજેશભાઈ નો ભત્રીજો મૌલિન સંભાળતો. બે બસ બદલાવીને રાજેશભાઈ ફેકટરી પહોંચતા. ઘણીવાર તો બસના પૈસા બચાવવા એકાદ બે સ્ટેન્ડ ચાલી પણ નાખતા.રાજેશભાઈની ચાલ ખૂબ ઝડપી હતી. લાંબી અને લાંબી ફલાંગો ભરતા. ઘણી વાર તો મોડુ થઈ જાય તો ચા પણ પીધા વગર ફેક્ટરી જવા નીકળી જતા. પણ એકવખત રાજેશભાઈની બસમાં પંચર પડતા એમને ફેક્ટરી પર પહોંચતા મોડું થતાં મૌલિને સંભળાવી દીધું ," જુઓ કાકા, ઘરે તમે મારા કાકા ખરા, પણ અહીંયા તો તમારી મનમાની નહીં ચાલે. સમયસર આવવું જ પડશે. અને હા, ફેક્ટરીમાં મને તુકારે ન બોલાવતાં. ખરાબ દેખાય છે. " મૌલિનની વાત થી રાજેશ ભાઈને ખૂબ લાગી આવ્યું. બીજા દિવસે ખૂબ ઝડપી ચાલ ચાલતાં રાજેશ ભાઈના પગ ફેકટરીએ જવા માટે ઉપડયા જ નહીં.