ઘોંઘાટ વિરુદ્ધ પક્ષીઓનું અસહયોગ આંદોલન...
સમૂહ શક્તિમાં સંગીત લખલૂંટ ભરેલું હોય, એ તમને ખબર છે ?
પક્ષીઓ સાથે તાલ મિલાવીને પથારીથી પ્રકૃતિ તરફનો પ્રવાસ કરશો તો આનો યથાર્થ સમજાશે !
વહેલી સવારે શાંત માહોલમાં, હાથમાં છાપું ચ્હા નો કપ લઈને બેઠો હતો કે મેં, આમ તો સામાન્ય પણ આપણે તેની સૂચક હાજરીનો અનુભવ નથી કરતા એટલે સાવ અસામાન્ય બનાવ જોવા પામ્યો.
પક્ષીમિત્રોમાંથી પણ જેમને વરસાદની સંજયદ્રષ્ટી હતી તેઓ કલરવ નામની કોસ્મિક સિમ્ફનીમાં પોતાનું યોગદાન આપી રહ્યાં હતાં.
જોવાની વસ્તુ તો એ છે કે ... આ પક્ષીમિત્રોના સંગીત પર્વ માં પારિજાત, ગુલાબ તથા મોગરો તેમનો યથાશક્તિ પણ સુગંધથી તરબતર સહયોગ આપી રહ્યા હતાં.
મારા માટે આ બધામાં આનંદની પળ એ હતી કે જ્યારે પક્ષી અને પમરાટની જૂથબંધી એ, એર કન્ડીશનરનાં બહાર મૂકેલાં સાથીદારોનાં ઘોંઘાટને સંગીતમય રીતે રદિયો આપી પછાડી દીધાં.
આમ સવારનાં વરસાદી છાંટણા વચ્ચે અપ્રાકૃતિક અને કૃત્રિમ એવા ઘોંઘાટ સામેના અસહયોગ આંદોલનમાં કુદરતના આ યોદ્ધાઓ ફરી એકવાર વિજયી પરેડ કરવા નીકળ્યા.
છેલ્લે આ પક્ષીવીરોને મારી એક નાનકડી ફરિયાદ ખરી કે, પોતાની આંતરિક સ્વચ્છતા જાળવવા માટે મારી બાલ્કનીનો ઉપયોગ કરે એનો વાંધો નથી પણ સ્વચ્છતા જાળવવામાં સહેજ આત્મનિર્ભર થાઓ તો ઘણું...!
✍🏽..પંકિલ દેસાઈ
#શાંત