રમું છું દાવ ઉપ્પર દાવ હું જેના ભરોસા પર
રહે છે ગેરહાજર એજ કાયમ ખાસ મોકા પર
હું એવા માણસોને જોઈને પણ દૂર ભાગું છું
સતત લઈને ફરે જે દર્દનું અખબાર મોઢા પર
સમાયા છે એ આંખોમાં, બીજું સપનુંય શું આવે?
વરખ ચાંદીનો લાગે નહિ કદી ચકચકતા સોના પર
કોઈના હોઠની તુલના કરી મેં એમની સાથે
પ્રતિબંધિત થયો છું ત્યારથી ફૂલોના જોવા પર
મનોમન ચાર ફેરા મેં ગઝલ સાથે ફરી લઈને
લગાવી છે ચબરખી જિંદગીની ખાલી ખોખા પર