#કિંમતી
નીતુ તે દિવસે વીલા મોઢે પાછી ફરી હતી. નીલમના સાસુમાએ એને કિંમતી ઘડિયાળની ચોરીના આરોપસર કાઢી મૂકી હતી. જોકે બીજા જ દિવસે એ ઘડિયાળ ભગવાનના કબાટની નીચેથી મળી આવી હતી. એ વાતનો નીલમના સાસુમાને પસ્તાવો થયો હતો. જોકે હવે પસ્તાવાનો કોઈ અર્થ ન હતો. છેલ્લા પાંચ વર્ષોથી પોતાના ઘરમાં પ્રમાણિકતાથી કામ કરતી નીતુ પર આક્ષેપ લગાવતા પહેલા એમણે સો વાર વિચારવું જોઇતુ હતું. થોડાકજ સમયમાં નીતુની જગ્યા રામલાએ લઈ લીધી. રામલાની ચકળ વકળ આંખો નીલમને જરાય ન ગમી. પરંતુ થોડોક સમય મૌન રહેવાનું એને વધારે યોગ્ય લાગ્યું હજી નીલમ કંઈક વધારે વિચારે એ પહેલા તો નીલમના પતિ નિહારે લાઇટબીલ ભરવા માટે ટેબલ પર મૂકેલા ત્રણ હજાર રૂપિયા લઈને રામલો ફરાર થઈ ગયો. પછીનો મહિનો નીલમ માટે ખૂબ ખરાબ સાબિત થયો. ઓફિસથી થાકીને આવીને પાછુ ઘરનું બધુ જ કામ કરવાનું. અંતે થાકી હારીને નીલમે એક દિવસ નીતુને પાછી લાવવાનો નિર્ણય કરી જ લીધો. એણે નીતુને શોધી કાઢી. નીતુને નીલમ માટે ખૂબ માન હતું. નીલમના કહેવાથી એ જરાય આનાકાની કર્યા વગર બીજા જ દિવસ થી કામ પર હાજર થઈ ગઈ માફી માંગવાની પણ જરૂર ન પડી .