#સુશોભન
સમજૂતીનાં બે શબ્દો સ્વહસ્તે તામ્રપત્રે લખાય તો ઘણું,
ભ્રમિત ચકાચોંધમાં રહેતી આંખોને સત્ય દેખાય તો ઘણું.
જાણું છું શક્ય નથી ચાખી બોર તમારા કાજે એકઠાં કરું,
મનમાં રહેલો શબરીનો ભાવ ભક્તિનાં ત્રાજવે જોખાય તો ઘણું.
બની જાઉં અહલ્યાની માફક રસ્તે પડ્યો મૌન પથ્થર હું,
પછી ભલે નયનોથી આપનાં આગમનની રાહ ઝંખાય તો ઘણું.
નથી જન્મી બીજી કોઈ સીતા સુકુમારી ધરતીનાં ખોળે,
છતાં ઝંખે જનક સુશોભન આંગણે રઘુનંદન પોખાય તો ઘણું.
નથી રહી ઝાઝી ઈચ્છા કે મહેચ્છા મનનાં ઉપવનમાં કોઈ,
અંત સમય સુધી હૃદયનાં ખૂણે છબી શ્રી રામની રખાય તો ઘણું.
-સચિન સોની
03/06/2020