#આગળ
સુહાની બોસની પર્સનલ સેકેટરી હતી. ખૂબ સુંદર અને હોશિયાર હતી. એની આગળ અને પાછળ કર્મચારી ઓનો જમાવડો રહેતો. એ વાતનું એને ઘમંડ પણ હતું. શિવમ પણ કંપનીમાં સારી પોસ્ટ પર હતો. સુહાની અને શિવમને જરાય બનતું ન હતું. બે-ત્રણ દિવસથી પોતાની પાછળ પાછળ ફરતાં શિવમ થી સુહાની મનોમન ખુશ હતી. પરંતુ મોઢા ઉપર અણગમાનાં ભાવ સાથે બધાની વચ્ચે શિવમને ઉતારી પાડવાના ઇરાદા સાથે પૂછી જ કાઢયું કે આમ આખો દિવસ મારી પાછળ પાછળ આવતા શરમ નથી આવતી ? ત્યારે શિવમે કહી દીધું ,"સુહાની, ચાર દિવસ પહેલા મોબાઇલ પર વાતો કરવામાં ને કરવામાં તમે તમારું લંચ બોક્સ કેન્ટીનમાં ભૂલી ગયેલા. તમને બૂમ પાડી પણ તમે સાંભળી નહીં. લંચબોક્સ ખૂલ્લો હતો. અંદર પનીર પરાઠા હતા. તમારો રસોઈ બનાવવાનો શોખ જગ જાહેર છે. ખૂબ જ અરમાનો સાથે મે એ ખાધા. તમે નહી માનો હવે હુ ક્યારેય પનીર પરાઠા નહીં ખાઉં. હા, આ તમારું લંચ બોક્સ. અંદર કાગળ છે. એમાં પનીર પરાઠાની રેસિપિ છે. " આટલું કહીને શિવમે ચાલવા માંડ્યું. સુહાનીને તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ. હવે શિવમ આગળ અને સુહાની પાછળ.