બી પોઝિટિવ
ઘણા લોકોને આદત હોય છે, કોઈને પણ સલાહ આપતા હોય ત્યારે ઘડીએ ઘડીએ કહે, બી પોઝિટિવ! જીવન પ્રત્યે સકારાત્મક બનો. આમ જુઓ તો આપણને લાગે કે બરાબર છે કોઈને સલાહ આપતી વખતે આવું કહી જ શકાય પણ મારૂ કહેવું છે, કેટલી હદ સુધી પોઝિટિવ બનવું એ કેવી રીતે નક્કી કરવું?
હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે. એક પત્નીએ એના પતિનો શર્ટ ધોવા માટે લીધો તો એમાં એક બાજુએ લિપસ્ટિકનું નિશાન હતું. કોઈએ ત્યાં એના બે હોઠ ચોંટાડી દીધા હોય એવું નિશાન ઉપસી આવેલું. પત્નીએ તરત પતિને કડક સૂરમાં પુછ્યું, "આ શર્ટ ઉપર લિપસ્ટિકનો ડાઘ છે!" પતિ પગથી લઈને માથા સુધી ધ્રુજી ઉઠ્યો અને ગંભીર થઈને કહે, "હું તને સમજાવી શકું છું, એમાં એવું થયું ને કે..." પત્નીએ પતિ વધારે લોચાવાળે એ પહેલા વચ્ચેથી જ એને અટકાવીને કહ્યું, "સેમ કલર અને એ જ સેડની લિપસ્ટિક મારે જોઈએ છે. કાં તો તું ખરીદી લાવ કાં તો પૂછી લાવ એણે ક્યાંથી લીધી!"
પતિની તો કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. એની પત્ની આટલી બધી પોઝિટિવ ક્યારે અને કેવી રીતે થઈ ગઈ એ જ એની સમજમાં ના આવ્યું. એણે હસું હસું થઈ રહેલા ચહેરે તરત જ વચન આપી દીધું, "ચોક્કસ, ચોક્કસ વ્હાલી તારા માટેય સેમ એવી જ લિપસ્ટિક લઈ આવીશ!"
આ તો થયો એક રમૂજી કિસ્સો પણ ઘણી વખત આનું ઊંધું પણ બને. એક છોકરાની બોર્ડની પરીક્ષા ચાલું થઈ રહેલી. હવે થોડાક જ દિવસો બાકી બચેલા. ઘરે જે જે સગા એ છોકરાને મળવા આવે એ બધા એક જ વાત કહેતા, "જરાય ટેન્શન નહીં લેવાનું, બધુ સારું જ થશે, બી પોઝિટિવ!" હવે થયું એવું કે છોકરાને સાચેસાચ જરાય ટેન્શન જ ના થાય. એનો સીલેબસ હજી બાકી બોલે, ઘણું બધુ વાંચેલું ભુલાઈ ગયેલું અને છોકરાને જરાય ચિંતા જ ના થાય. એ બિન્દાસ્ત ખાય-પીવે, ટીવી જુએ અને એના મિત્રો સાથે ફોન ઉપર ચર્ચા કરે રાખે! એને જોઈ જોઈને તો એના પપ્પાનું બીપી વધી ગયું, એની મમ્મીની રાતોની ઊંઘ ઊડી ગઈ.
હાલ છોકરને કશું વધારે કહેવું પણ કેમ? છેવટે એમણે એક દિવસ એ છોકરાને પાસે બેસાડીને બધી વાત કરી. ત્યારે છોકરાએ જાતે જ કહ્યું કે, એ ઈચ્છે છે કે એને ટેન્શન થાય પણ એ પરીક્ષાનું પ્રેસર આવી જ નથી રહ્યું! પરીક્ષા ચાલું થવાની હોય એના થોડા દિવસો પહેલા એક બીક લાગતી પરિક્ષાની, એના પરિણામની અને એના લીધે જ વાંચવાની સ્પીડ આવતી, ખૂબ સારી રીતે બધુ વંચાઇ જતું. હાલ કોઈ ચિંતા જ થતી નથી.
અહિયાં છોકરના માબાપ સમજદાર હતા એમણે તરત છોકરને ટ્યુશન ભણાવતા સાહેબ સાથે વાત કરી, બધી સમસ્યા જણાવી. સાહેબે એમને એક કાઉન્સિલરનું સરનામું આપ્યું અને તરત બાપ બેટો ત્યાં જઈને મળી આવ્યા. ખેર એમની સમસ્યાનો તો હલ આવી ગયો.
ટૂંકમાં ક્યાં ડરવું જોઈએ અને ક્યાં ના ડરવું જોઈએ એ જાણી લેવું પણ જરૂરી છે, જીવનની આ સફરમાં કયું ક્યારે કામ લાગી જાય કઈં કહી ના શકાય, બી પોઝિટિવ!
ભરત: નિમલા આ જાહેરાત વાળા કહે છે, ‘ડરકે આગે જીત હૈ’, હું કાલે એમની વાત માનીને ડાઘીયા સામે થયો તો એય મારી સામે થયેલો અને મને એક કિલોમીટર સુધી દોડાવેલો.
નિમેષ: ભરતા હું તને બે નવા સૂત્ર આપું એનું બરાબર પાલન કરજે, એક ‘ડરના મના હૈ’ અને બીજું ‘ડરના જરૂરી હૈ!’