શીખવું એ એક ખૂબ જ મુશ્કેલ અને એક લગભગ અશક્ય બાબત છે. કારણ કે આપણે ત્યાં બધા MBA થયેલા છે. MBA - મને બધુ આવડે. એટલે કોઇએ કોઈને કંઇ પૂછવું જ નથી, પૂછવાની શરમ આવે જાણે નવી પરણેલી વહુ. જેણે શીખવું જ છે ને એને ઉંમરનો કોઈ બાધ નડતો નથી - પોતાનો અને જેની પાસેથી શીખે છે એનો બંનેનો.
દાદા દાદી બાળકોને જે વાર્તા કહી સંભળાવે છે એ હકીકતમાં એમનાં અનુભવનો નિચોડ હોય છે. બાળકની સાથે આપણે પણ એમાંથી ઘણું શીખી શકીએ છીએ. વૃક્ષો પાસેથી પણ શીખવાનું છે કે ખરી પડ્યા પછી પણ ફરીથી કેવી રીતે ઊગી શકાય. ઘડિયાળનાં કાંટા શીખવાડે છે કે ભલે આમ જુદા હોઇએ પણ બહારની વ્યક્તિ સામે થાય તો ભેગા મળી તેનાં બાર વગાડી દેવાય. નદી શીખવે છે કે ક્યાંય સ્થિર ન થવું. પ્રગતિનાં રસ્તે હંમેશા આગળ વધવું. દરિયાના મોજા શીખવે છે કે ગમે તેટલા ઉછળૉ અંતે તો જમીનદોસ્ત જ થવાનું છે માટે થોડુ ઝુકતા શીખો.
પહાડો પાસેથી શીખવા મળે છે કે દરેક સુંદર દેખાતી વસ્તુ મેળવવી સહેલી નથી હોતી. વૃક્ષો શીખવે છે કે આપણો વિરોધ થાય ત્યારે ભાંગી પડવાને બદલે જ્યાંથી કાપવામાં આવ્યાં છે ત્યાંથી જ પાછા ઊગી નીકળવું. રસ્તો શીખવે છે કે જો આપણે કોઈને આગળ લઇ જઇ શકતા હોય તો જરૂરથી લઇ જવા. એક ફૂલ શીખવે છે કે ભલે આપણું જે થાય તે પણ સામેવાળા પર આપણી કામની સુગંધ છોડી જવી.
એક શિક્ષક, માતા પિતા અને વડીલો પાસેથી તો ઘણુ શીખવા મળે જ છે પરંતુ એક બાળક પાસેથી પણ શીખવા મળે છે - નિર્દોષતા, તરત જ ભૂલો માફ કરી દેવી, ગભરાયા વગર પોતાને ન સમજ પડતી બાબત વિશે પૂછી લેવું, ભોળપણ વગેરે.
શીખવાની બાબતમાં 3 idiots મુવી જેવું છે - ચારે તરફ જ્ઞાન ફેલાયેલું છે, શરત છે શીખવાની દાનત હોવી.
શિક્ષક માટે પણ કહેવાયું જ છે ને કે એ સતત શીખતો ન રહે તો ક્યારેય શીખવી ન શકે. માટે હંમેશા પોતાની જાતને નવું નવું શીખવી પોતે જ પોતાનો નવો અવતાર રજુ કરતા રહો.
#શીખો