Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમર્પણ કોને કહેવાય? શ્રીરામકૃષ્ણ પરમહંસે આપ્યું ઉદાહરણ

શ્રીરામકૃષ્ણ પરમહંસે સમર્પણનું ઉદાહરણ આપતાં બિલાડીના અને વાંદરાના બચ્ચાની વાત કરી છે. વાંદરીનું બચ્ચું પોતે માનો હાથ પકડે છે. બચ્ચું હાથ પકડી રાખતું હોવાથી તે પકડ છૂટી જવાની શક્યતા રહે છે. જયારે બિલાડીનું બચ્ચું મા ઉપર જ બધું છોડી દે છે. એટલે તેને મા જ મોઢામાં પકડીને હેરવેફેરવે છે. માની પકડ મજબૂત હોવાથી તે છૂટી જવાનો ભય રહેતો નથી. આ બિલાડીના બચ્ચાની જેમ સંપૂર્ણપણે ભગવાન ઉપર નિર્ભર રહેવામાં આવે તો પછી મનુષ્યને કોઈ જ પ્રકારનો ભય રહેતો નથી.

આવું સમર્પણ હોવું જોઈએ. આ સંદર્ભમાં શ્રી અરવિંદ કહે છે કે, ‘પૂર્ણ સમર્પણ એટલે સ્વરૂપના દરેક ભાગમાં રહેલી અહંની ગ્રંથિને કાપી નાંખવી. અને સમગ્ર અસ્તિત્વનું પ્રભુને મુક્ત રીતે સમર્પણ કરી દેવું. જો આવું સમર્પણ પૂર્ણ ન હોય તો બિલાડીના બચ્ચાનું વલણ સ્વીકારવું શક્ય નથી. તો પછી એ ફક્ત તામસિક નિષ્ક્રિયતા બની જાય અને માણસ એ વસ્તુને સમર્પણ રૂપે સ્વીકારી લે.’

સાચા સમર્પણમાં આંતરિક અને બાહ્ય અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. અહંતા અને કામનાઓની એમાં ભેળસેળ થઈ જાય છે. લાગણીઓ, સંવેદનો, શંકાઓ, સમર્પણમાં રૂકાવટ ઊભી કરે છે. પણ જો સંકલ્પ પ્રબળ હોય, અભીપ્સા તીવ્ર હોય તો સાચું સમર્પણ શક્ય બને છે અને એથી પ્રભુની દિવ્ય સંનિધિમાં રહેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

સાચા સમર્પણથી માનવનો અહંકાર ઓગળી જાય છે, તેનાં બંધનો છૂટી જાય છે. પાપ નિર્મૂળ થાય છે. તેની સંકુચિતતા ને મર્યાદાની સીમાઓ હટી જાય છે, ને તે વૈશ્વિક ચેતનાની વિશાળતાનો અનુભવ કરે છે. તે તેનામાં પ્રભુની દિવ્ય શક્તિઓને અવતરતી અનુભવે છે. તેથી તેની દ્રષ્ટિ બદલાઈ જાય છે. તેની જીવન જીવવાની પદ્ધતિ પણ સમૂળગી બદલાઈ જાય છે.

સાચા સમર્પણને પરિણામે મનુષ્યની ચેતનામાં કેવું પરિવર્તન આવે છે, તે વિશે શ્રીમાતાજીએ એક વાર્તાલાપમાં કહ્યું હતું; ‘સમર્પણ તમને વિશાળ બનાવે છે. તમારી શક્તિઓમાં અનેકગણો વધારો કરે છે. સ્વપ્રયત્નથી તમે જે શક્તિઓ નથી મેળવી શકતા તે સઘળી અને તેથી પણ વધારે ઉચ્ચ પ્રકારની શક્તિઓ સમર્પણ દ્વારા તમારામાં ઊતરી આવે છે…તમારા મનમાં, પ્રાણમાં, દેહમાં, સાચી અખંડ સ્વસ્થતા આવે છે.
જ્યારે તમે કોઈપણ વસ્તુને, તમારી જાતને પણ તમારી ગણો નહીં, જ્યારે દરેક વસ્તુ, તમારો દેહ, તમારાં સંવેદનો, તમારી લાગણીઓ, તમારા વિચાર સુદ્ધાં પ્રભુનાં બની ગયાં હોય ત્યારે તે બધાંની જવાબદારી પ્રભુ લઈ લે છે. પછી તમારે કશી જ ચિંતા કરવાની રહેતી નથી.’ પછી તો આપણું મન પ્રભુના સંકલ્પને જ ધારણ કરે છે, અને આપણી પ્રાણશક્તિમાં પ્રભુની શક્તિ જ વહેવા લાગે છે.

જેમ જળનું એક બિંદુ મહાસાગરમાં સમર્પણ કરતાં તે મહાસાગર બની જાય છે. તેની વિશાળતા ધારણ કરે છે તેમ આપણું અલગ અસ્તિત્વ પ્રભુની વિશાળ ચેતનામાં મળી જતાં પ્રભુની દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરે છે અને ત્યારે જ નવા સાચા જીવનની શરૂઆત થાય છે અને સમર્પણ એ એ જીવનનું પ્રવેશદ્વાર છે.

ધર્મજીવનની સાધના કરતાં પોતાની જાતને પૂછો કે ક્યાંક તમે આવું કાર્ય તો નથી કર્યું ને કે જે તિરસ્કાર અગર દ્વેષનું હોય અથવા શત્રુતા વધારનાર હોય! આ પ્રશ્નોનો સંતોષજનક જવાબ મળે તો સમજવું જોઈએ કે પ્રાર્થના તથા ધર્માચરણની અસર જરૂર તમારા પર થઈ રહી છે અથવા થઈ છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111439287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now