સાજન તારા વિના
*
ફરી એક સાંજ ઢળી ગઇ સાજન તારા વિના,
સાવ કોરી આંખ પલળી ગઇ સાજન તારા વિના,
તારા સાથમાં જરૂર જ ન પડી દુનિયાદારીની,
એકલી થૈ દુનિયાને કળી ગઇ સાજન તારા વિના,
માંડ કેટલાક શબ્દો આવ્યા હતા હૈયાથી હોઠ પર,
યાદ તારી આવીને ગળી ગઇ સાજન તારા વિના,
કેટલી ઉતાવળ હશે મને બાળવાની આ લોકો ને,
વસતિ બધી ટોળે વળી ગઇ સાજન તારા વિના,
રાહ મે પણ જોઇ હતી સ્મશાનની દિવાલ સુધી,
પછી રાખ થૈ એમાં ભળી ગઇ સાજન તારા વિના,
વચન તો મને પણ યાદ હતુ સાથ આપવાનુ,
પણ આખરે એકલી બળી ગઇ સાજન તારા વિના,
સફર મારી જગમાં પણ એકલીને સ્વર્ગમાં પણ,
મોતને પણ એકલી મળી ગઇ સાજન તારા વિના,