આજના દિવસે વંદન મારી માતા અને એ દરેક સ્ત્રીઓને.. જેમણે મારી અંદર વાત્સલ્ય અને મમતાનું સિંચન કર્યુ છે. 😊🙏
માતા બેસ્ટ જ હોય છે, તેમા પછી મારી કે તમારી એવી ગણતરી
હોતી જ નથી. દરેક માતા પોતાના સંતાનો માટે આગવા રૂપ ધારણ કરતા શીખી જ જતી હોય છે. આ રીતે તેને આપણે લાકડી ફેરવ્યા વગરની "મેજીશીયન" પણ કહી શકીએ! સંતાનો મોટા થયા પછી એ સૌ પોતપોતાના માળામાં ગોઠવાવામાં માટે સંઘર્ષ પણ કરતા હોય છે. આ ક્ષણે માતા મક્કમ મન સાથે થોડીક દૂર ખસીને તેને જોયા કરતી હોય છે અને પોતાના સંતાનના પ્રયત્નોને બિરદાવી રહી હોય છે. એ કરચલી ભરેલ કપાળ અને ચશ્મા પાછળ સંતાયેલ આંખો આશિષનો ધોધ વહાવતા જ હોય છે.
જે સ્ત્રી પોતાનું રુધિર વહાવીને એક નવા જ જીવને આકાર આપી શકતી હોય... એ ભલા સામાન્ય હોઈ જ કેમ શકે? હું તો એમ કહીશ કે.. જગતની દરેક સ્ત્રીઓ વંદનીય છે. અનાથ બાળકને પોતાનુ સમજીને ઉછેરનાર સ્ત્રી શું મહાન નથી હોતી? હજારો બાળકોને છાતી સરસા ચાંપીને ઘણી સ્ત્રીઓ "માતૃત્વની" મિશાલ બનતી હોય છે. જગતની દરેક સ્ત્રી એક માતા જ હોય છે! એટલે આજ પછી જો કોઈ સ્ત્રીને સંતાનવિહોણી જુવોને.. તો સમજજો કે સાક્ષાત "જગદંબા"ના દર્શન થયા છે!કારણ કે જગતને કોઈ મોહ વગર તો માત્ર ને માત્ર જગદંબા જ આશિષ આપી શકે છે.
માતા હોવું એ ગર્વની વાત છે અને તે કરતાં પણ વધુ ગર્વની વાત એ છે કે... એવી શકિતસ્વરૂપાથી ઘેરાયેલા હોવું.. જે સતત તમને પ્રોત્સાહિત કરતી હોય અને બળ પૂરું પાડતી હોય.. મારા જીવનમાં મારી માતાએઅમને એક એવો જુસ્સો પુરો પાડયો છે.. જેના થકી આજે ગર્વભેર અમે ભાઈ બહેન બંને ચાલી શકીએ છીએ. એ પછી પણ મારા જીવનમાં એવી ઘણી સ્ત્રીઓ આવી.. જેમણે ખરેખર મારા "સ્ત્રીત્વને" ઉજાગર કર્યુ અને મને મમતાસભર બનાવી. મારામા ઋજુતાનું રોપણ કરીને એક સ્ત્રી બનવા તરફ ડગ મંડાવ્યા. હોસ્ટેલમાં રહેતી ત્યારે મમીની ગેરહાજરી સાલતી તો... બહેનપણીઓ, કાકી, મોટા મમી, ભાભી આ બધાએ બળ પૂરું પાડ્યું. જીવનનો કારમો આઘાત સહન કરવાની શકિત મને આ સ્ત્રીઓએ જ પૂરી પાડી છે! એટલે મારા માટે તો આ બધી જ સ્ત્રીઓ મારા અમૂલ્ય રત્નો જ છે!
સાસુ. જેઠાણી આ બધા જ પાત્રોએ મને એક ઉષ્મા ભર સ્ત્રી બનાવી છે. જરૂર પડે ત્યાં તેમણે હેતના ખોળા પાથરીને પણ મારું સ્વાગત કર્યું છે.
મારી માતાએ તો મારી માટે જે કર્યુ છે.. એની હું આજીવન ઋણી રહીશ. જેમ એક પથ્થર પોતે રઝળતો હોય છતાપણ ટિપાઈને શિલ્પ બની શકે... એવી તાકાત મારી માતામા છે. પ્રથમ પોતે ઘડાયા, ટિપાયા અને પછી અમને પાષાણમાથી ફરી ધબકતા માણસ બનાવ્યાં! પપાના ગયા પછી.. પોતે પિતા બનીને જીવનના દરેક પગલે સાથ નિભાવ્યો. બને તેટલું દરેકને માફ કરતા શીખવું અને ભૂલતા શીખવું એ પાઠ મને તેમણે સમજાવ્યા છે અને કદાચ એટલે જ.. આજે ઘણી કડવાશોને ત્યજીને આજુબાજુમાં મીઠાશ ફેલાવવાનો સફળ પ્રયાસ કરી રહી છું.
- નિપા જોશી શીલુ