એક દુલ્હન. કલ્પના કરો લગ્નના દિવસની એની હાલત. એક તો આટલા વર્ષો જયાં અને જેમની સાથે રહી બધાને છોડીને જઇ રહી છે. બધા એને માટે જ વિચારતા હોય છે, સલાહ આપતા હોય છે.
પરંતુ ક્યારેય કોઇએ વરરાજાની મુંઝવણ પર ધ્યાન આપ્યું છે. એ તો હંમેશા ખુશ અને બિન્દાસ જ દેખાય છે. મારે ક્યાં કશે જવાનું છે? લગ્ન કરીને પાછા પોતાના ઘરે! શું આ જ સાચી હકીકત છે? ના. એ પણ બિચારો મુંઝવણ અનુભવતો જ હોય છે.
વરરાજા બનીને ઠાઠથી ભલે ફરતો હોય પણ એને પણ એ વાત તો સતાવતી જ હોય છે કે શું હું આ જવાબદારી નિભાવી શકીશ? મારા ઘરનાં સભ્યો અને પત્ની વચ્ચે તટસ્થ રહી શકીશ? ક્યારેક તો ચકમક થાય જ છે દરેક ઘરમાં. શું એ વખતે યોગ્ય નિર્ણય લઇ શકીશ કે જેથી કરીને ઘરનાં તમામ સભ્યો વચ્ચે સુમેળ રહે?
પુરુષ છે, વરરાજો છે એને ભલા ટેન્શન સાથે શું લેવા દેવા? પણ એ તદ્દન ખોટું છે. એને પણ ઘણી બાબતોમાં સમાધાન કરવું પડે છે, નોકરીમાંથી રજા મળતાં જે સમય મિત્રો સાથે હરવા ફરવા કે ગપ્પા મારવામાં વપરાતો હતો તેમાંથી હવે પત્ની માટે પણ સમય કાઢવાનો છે.
જે રીતે એક દુલ્હન પોતાનુ સમસ્ત છોડીને બીજાના ઘરને પોતાનુ કરવા આવે છે એ જ રીતે એક પુરુષે પણ વરરાજા બનતા જ ઘણી બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે. પોતાની પત્ની, માતા પિતા, નોકરી, ભવિષ્યમાં બાળકોની જવાબદારી - બધું જ. આ બધા ઉપરાંત એણે તો જો ક્યારેક કોઈ નાની મોટી બાબતમાં પત્ની અને માતા પિતા વચ્ચે રકઝક થાય ને તો કોના પક્ષમાં બોલવું એ ખૂબ જ મોટી સમસ્યા થઈ જાય છે. કોઈને મનદુઃખ ન થાય યે રીતે મધ્યસ્થી થવું પડે છે.
માટે લગ્નના દિવસે માત્ર દુલ્હન જ નહીં વરરાજા પણ એટલા જ અસહજ હોય છે. ફર્ક માત્ર એટલો કે એ દુલ્હનની જેમ વ્યકત નથી કરી શકતો. એને માત્ર હસતા જ રહેવું પડે છે અને પોતે નચિંત છે એવું જ બતાવવું પડે છે.
#વરરાજો