Quotes by અશ્વિન રાઠોડ - સ્વયમભુ in Bitesapp read free

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

@ashwinrathod6053

શિર્ષક : 'વિઘ્ન સંતોષી'

બીજાનું બગડેલુ જોઈને, જેમના મનમાં મલકાટ થાય,
સીધેસીધા રસ્તા ઉપર, જેઓ કાંકરા વેરતા જાય.

કોઈ ચઢતું હોય ઊંચે, તો ખેંચે એના ટાંટિયા,
વાત હોય જો નાની સરખી, મારી દે એ ગાંટિયા.

પોતાને કંઈ કરવું નથી, ને બીજાને કરવા દેતા નથી,
ખુશી કોઈની જોઈને, હરખ કદી એ લેતા નથી.

મહેનત બીજાની હોય ને, જશ લેવા એ દોડશે,
કામ કોઈનું પૂર્ણ થાતું, જોઈને માથા ફોડશે.

સાચો માણસ એ જ કહેવાય, જે બીજાને તારે,
પણ વિઘ્ન સંતોષી જીવ તો, ડૂબાડે મધધારે.

ઇર્ષાની એ આગમાં, પોતે ખુદ બળશે,
વાવેલા જેવાં બીજ હશે, "સ્વયમ્'ભૂ" એવું લણશે.

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

કાવ્ય શીર્ષક: ખાખીનું સ્વપ્ન

ભાગો દોડો ઊભા ન રહો, અવસર આંગણે આવ્યો છે,
ખાખી વર્દી પહેરવા કાજે, સમય ટકોરો દઈ લાવ્યો છે.

ના રૂક તું, ના થમ તું, બસ લક્ષ્યને વીંધી નાખ, તું!
છાતી કાઢી, મસ્તક ઊંચું, ડરને હવે તું વીંધી નાખ. તું!

પરસેવો જે પાડશે આજે, કિસ્મત એની ખુલવાની,
મેદાન પર જે શ્વાસ ઘૂંટશે, તાકાત એની બોલવાની.

સપના તારા મા-બાપના, આંખોમાં અંજાવા દે, તું!
ભૂખ-ઊંઘને ભૂલી જા ને, જનુન દિલમાં છાવા દે. તું!

પગમાં ભલે છાલા પડે, પણ ગતિ ન ધીમી થાય જો,
સિંહ જેવી ત્રાડ નાખ, કે દુનિયા આખી સાંભળે જો.

વર્દી તારી રાહ જુએ છે, કમર કસી તૈયાર થા, તું!
દેશ કાજે રક્ષક બનવા, ભીડમાંથી બહાર થા. તું!

આળસ ખંખેરી જાગી જા તું, ઈતિહાસ નવો રચવાનો છે,
પોલીસ બનીને શાનથી ભાઈ, પડકાર હવે ઝીલવાનો છે.

રસ્તા ભલે હોય આકરા, પણ હિંમત તારી ખૂટે નહીં,
'ખાખી' કેરો રંગ છે પાકો, મહેનત વિના એ છૂટે નહીં.

માટે ઊઠ! દોડ! અને જીતી લે! મેદાન આખું તારું છે...
ખાખી વર્દીની શાન, અને "સ્વયમ્'ભૂ" સન્માન આખું તારું છે!

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

વિષય: સંગીત માટેની રચના
પ્રકાર: અછાંદસ કાવ્ય
શીર્ષક: "શબ્દો જ્યાં ઓગળી જાય છે..."

​એક મૌન અને કોલાહલની વચ્ચે,
જ્યાં ભાષા ટૂંકી પડે છે,
ત્યાંથી જ તો સંગીતનો પ્રવાસ શરૂ થાય છે.

​પેલા તબલાની શાહી પર પડતી થાપ,
જાણે સમયના હૃદયના ધબકારા,
એક લયમાં જીવનની ગતિ માપતા હોય.

​ને પેલી વાંસળીના પોલાણમાં,
શ્વાસ જ્યારે રાગ બનીને ગુંજે છે,
ત્યારે લાગે છે કે હવાને પણ હવે બોલવું છે.

​ખૂણામાં પડેલું હાર્મોનિયમ,
એની ધમણમાં ભરેલાં કેટલાય નિસાસા,
કાળી અને સફેદ પટ્ટીઓ પર,
સુખ અને દુઃખની જેમ આંગળીઓ નાચતી રહે છે.

​સિતારના તંગ તાર પર,
જ્યારે મિઝરાબનો સ્પર્શ થાય,
ત્યારે વીણાની ગંભીરતા પણ,
ઝણઝણાટી બનીને રોમે-રોમમાં વ્યાપી જાય.

​ક્યારેક શરણાઈનો મંગલ સૂર,
તો ક્યારેક વાયોલિનનું ભીનું દર્દ,
મૃદંગના ઘેરા અવાજ સાથે ભળીને,
એક આખું બ્રહ્માંડ રચી દે છે.

​અને ઓલા...
મંજીરાના રણકારમાં,
બધું જ એકાકાર થઈ જાય છે,
વાદ્યો તો માત્ર બહાનું છે,
અસલમાં તો "સ્વયમ’ભુ"આત્મા પરમાત્માને સાદ કરે છે.

અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"

Read More

વિષય: "મનુષ્યનું જીવન એટલે સત્ય લાગણી વિશ્વાસ શ્રદ્ધા અને હુંફ"
શિર્ષક:"જીવનનો સરવાળો"
પ્રકાર: અછાંદસ કાવ્ય


​શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે,
જે વહે છે એનું નામ 'જીવન'.
પણ, એ માત્ર ધબકારાનો હિસાબ નથી,
એ તો છે...

​ક્યારેક અણગમતું પણ સ્વીકારવું પડે,
એ અરીસા જેવું ચોખ્ખું સત્ય.

​કોઈ અપેક્ષા વગર જ વરસી પડે,
એ ભીનાશ એટલે પ્રેમ.

​સામેની વ્યક્તિના મૌનને પણ સાંભળી લે,
એ હૃદયના તારની કોમળ લાગણી.

​કાચના ટુકડા જેવો નાજુક,
પણ પર્વત જેવો અડગ એવો વિશ્વાસ.

​જ્યારે રસ્તાઓ બંધ જણાય,
ત્યારે અંધારામાં દેખાતો દીવો એટલે શ્રદ્ધા.

​અને આ બધાની વચ્ચે,
જ્યારે થાકીને લોથપોથ થઈએ,
ત્યારે કોઈના ખભા પર મળતી પેલી માયાળુ હૂંફ.

​આ છ તત્વો મળીને જ તો બને છે,
માણસ હોવાનો અર્થ.
જીવન એટલે જીવવું એટલું જ નહીં,
પણ આ ભાવોને અનુભવીને "સ્વયમ્’ભૂ" 'માણસ' બનવું!

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

॥ દુહો ॥
​પશ્ચિમ ભણે પાયથો, ચીન હુનર ચિત્ત ધાર,
પણ ભારત જોવે જાતને, ઈ તો મોટી હાર!
વિદ્યા હારી વર્ણથી, કૌશલ હાર્યું કાય,
અશ્વિન કે' આ ગજબ છે, ન્યાય ક્યાં ગોતાય?

​॥ છંદ: ત્રિભંગી (શૈલી) ॥

​અમેરિકા ભાળે, અક્કલ વાળે, વિજ્ઞાને જે વેગ કરે,
જ્યાં જ્ઞાન જ પૂજાય, ભલે ને ગણાય, દુનિયા આખી ધાક ધરે.
ત્યાં ચીન ચતુર નર, હુનર હૈયે ધર, હાથે જે હુન્નર કરે,
તે મલક આખોય, જગતમાં જોય, વેપારે જે ડગ ભરે... (૧)

​પણ ભારત મારો, દેશ રૂપાળો, ક્યાંક રસ્તે અટવાયો,
જ્યાં જ્ઞાતિ ના ઝેરે, અંદરો અંદર, માનવ માય ને હણાયો.
ત્યાં કાગળ કટકે, મેધાવી અટકે, લાયક પાછળ ફેંકાયો,
જ્યાં જાતિ ના જોરે, સત્તા ના તોરે, સાચો હુનર ભુલાયો... (૨)

​હવે જાગો જનતા, ત્યાગો મમતા, ગુણ ને પૂજતા શીખી લ્યો,
જો બનવું હોય જગમાં, શ્રેષ્ઠ શિખર પર, જ્ઞાતિ ના વાડા તોડી દ્યો.
જ્યાં 'વરણ' ન પૂજાય, 'વરતણ' પૂજાય, એવો મારગ પકડી લ્યો,
કહે "સ્વયમ્’ભૂ" કર જોડી, ભ્રમણા છોડી, પ્રતિભાને હક આપી દ્યો... (૩)

અશ્વિન રાઠોડ "સ્વયમ્’ભૂ"

Read More

ગઝલ: શબ્દોનું પરબ

(મત્લા)
પુસ્તકોનું આ નવું સરનામું છે,
અહીં તો જ્ઞાન વહેંચવાનું મોટું કામ છે.

કોઈ પણ આવે અહીં નિઃશુલ્ક છે,
વાંચનારો અહીં ખરેખર આમ છે.

સરદાર બાગમાં ખીલ્યા છે,અક્ષર-ગુલાબ,
સાહિત્યની આ સુંદર સાંજ શામ છે.

એક તો પુસ્તકનો પરિચય પણ મળે,
ને સાથે શબ્દની પૂજાનું અહી ધામ મળે છે.

ચોર્યાસી રવિવારની અહીં છે અડંગ સફર,
મોરબીનું તો પુસ્તક પરબથી બહુ મોટું નામ છે.

(મક્તા) કાગળોમાં જિંદગી અહીં "સ્વયમ્'ભૂ" વસે,
પુસ્તકોની દુનિયાના સઘળાં સુખના અહીં જામ છે.

અશ્વિન રાઠોડ (સ્વયમ્’ભૂ)

Read More

રચના: શીતળની લહેરખી

​આવી છે કેવી આ મજાની ઠંડી,
લાવી છે શમણાંની આખી મંડી.

​કંપે છે કાયા ને કંપે છે હાથ,
ભીની આ મોસમનો કેવો છે સાથ?

​ચાદર ઓઢીને સૌ સૂતા છે ઘેનમાં,
પંખીઓ કલરવ કરે છે હવે ચેનમાં.

​ગરમાગરમ ચાની ચુસ્કીમાં રાહત,
સૂરજની કિરણોની જાગી છે ચાહત.

​ધૂમ્મસની ઓઢી છે ધરતીએ ચુંદડી,
પવન પણ ફરે જાણે ગોળ ગોળ ફુંદડી.

​સ્વેટર ને મફલરનો રૂડો આ વેશ,
ખુશનુમા લાગે છે કુદરતનો દેશ.

​વહેલી સવારે આ ઝાકળના મોતી,
દુનિયા આ આખી હવે"સ્વયમ્'ભૂ"હૂંફને ગોતી.

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

રચના: શીતળની લહેરખી

​આવી છે કેવી આ મજાની ઠંડી,
લાવી છે શમણાંની આખી મંડી.

​કંપે છે કાયા ને કંપે છે હાથ,
ભીની આ મોસમનો કેવો છે સાથ?

​ચાદર ઓઢીને સૌ સૂતા છે ઘેનમાં,
પંખીઓ કલરવ કરે છે હવે ચેનમાં.

​ગરમાગરમ ચાની ચુસ્કીમાં રાહત,
સૂરજની કિરણોની જાગી છે ચાહત.

​ધૂમ્મસની ઓઢી છે ધરતીએ ચુંદડી,
પવન પણ ફરે જાણે ગોળ ગોળ ફુંદડી.

​સ્વેટર ને મફલરનો રૂડો આ વેશ,
ખુશનુમા લાગે છે કુદરતનો દેશ.

​વહેલી સવારે આ ઝાકળના મોતી,
દુનિયા આ આખી હવે"સ્વયમ્'ભૂ"હૂંફને ગોતી.

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

શિર્ષક: ગુજરાતની અસ્મિતા, પ્રકાર:(અછાંદસ કવિતા)


​જ્યાં સૂરજ પહેલું કિરણ વેરે છે પશ્ચિમના આંગણે,
એ છે મારી મરદ કસુંબલ ભોમકા - ગુજરાત!

​અહીં ગિરનારના પથ્થરોમાં ગુંજે છે શૌર્યની ગાથા,
ને સોમનાથના ડમરુમાં સંભળાય છે શિવની આસ્થા.
ધોળાવીરાની ધૂળમાં સંતાયેલું છે વિશ્વનું પ્રાચીન નગર,
ને લોથલના બંદરે હિલોળા લે છે ઈતિહાસનો સાગર.

​સાબરમતીના સંતે જ્યાં અહિંસાનું શસ્ત્ર ઉઠાવ્યું,
ને સરદારે અખંડ ભારતનું સપનું સાચું બનાવ્યું.
અહીં નરસિંહની ઝાંઝરી વાગે ને મીરાંનો એકતારો,
દયાનંદનો વેદ મંત્ર ને પ્રેમાનંદનો માણ-ધબકારો!

​સિંહની ગર્જનામાં જ્યાં ગીરનું ગૌરવ ગાજે છે,
ને સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાના નકશે સાજે છે.
અમદાવાદી પોળ હોય કે સુરતનું જમણ,
કચ્છનું રણ હોય કે પાવાગઢનું શિખર;
વિશ્વના ખૂણે ખૂણે જ્યાં ગુજરાતી પાક્યો,
ત્યાં ત્યાં એણે પ્રગતિનો "સ્વયમ્'ભૂ" પરચમ રાખ્યો!

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

"જેની ભાષામાં મિઠાશ છે, ને લોહીમાં વેપાર છે,
જેની છાતીમાં ખમીર છે, ને હૈયામાં સત્કાર છે.
એવા ગરવી ગુજરાતની આ ધરાને મારા શત-શત પ્રણામ છે!"

Read More

વિષય: નવજીવન
શીર્ષક: "કૂંપળનો વિશ્વાસ"
પ્રકાર: અછાંદસ કાવ્ય

​ખરી પડ્યાં છે પાનખરના જીર્ણ વસ્ત્રો,
હવે ડાળીઓ સાવ નિર્વસ્ત્ર છે,
પણ...લાચાર નથી.
કારણ કે આ ખાલીપો જ તો આમંત્રણ છે, નવી મોસમનું...!

​નવજીવન એટલે શું?
ફક્ત શ્વાસનું ચાલવું? ના.
નવજીવન એટલે...!
ગઈકાલના કાટમાળ નીચે દબાયેલા હોવા છતાં,
સૂરજના કિરણને પકડવા માટે,
સિમેન્ટની તિરાડ ચીરીને બહાર આવતી,
એક નાનકડી લીલી કૂંપળનો જીદભર્યો પ્રયાસ!

​જૂની ડાયરીનાં પાનાં હવે ભરાઈ ગયાં છે,
એને પસ્તીમાં આપી દેવી છે.
હવે હાથમાં છે એક કોરો કાગળ,
અને કલમમાં છે...અનુભવની નવી શાહી.

​રાખમાંથી બેઠા થવું એ ચમત્કાર નથી,
પણ રાખને જ ખાતર બનાવી,
એમાં સ્વપ્નનું નવું બીજ રોપવું,
અને એના પર ભરોસો કરવો,
બસ, એ જ તો છે સાચું "સ્વયમ્'ભૂ" નવજીવન!

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More