"આંસુ"
કોણ લૂછે રે આંસુ !
ક્યાં જૂનું, ક્યાં નવું જીવન આ ? બદલ્યું બીજું પાસું.
કોણ લૂછે રે આંસુ ?
કોઈ મળે વતની ને બોલું હું ગળગળતા સાદે,
નૈનનમાંથી નીર છલકતાં સ્વજન- સગાંની યાદે,
જે દેખે તે પણ ના સમજે, કોઈ ન પૂછે: 'આ શું?'
કોણ લૂછે રે આંસુ ?
ઉરમાં ભંડારી એકલતા બહાર રહું છું હસતો,
ધૂળ મહીં ધરબાયો તોયે આકાશે નિત વસતો,
કોણ કહે કે : આજ અહીં, તો કાલ હજી ક્યાં જાશું ?
કોણ લૂછે રે આંસુ ?
હું જ હસું મુજને તો સાથે હસે ગામનાં લોક,
અંતર ઊંડે ઝૂરે ઝંખના, જાણે મરમી કો'ક,
કોણ કહે કે : ચાલ પિયાસી ! અમરત ઉરનાં પાશું.
કોણ લૂછે રે આંસુ ?
---મીનપિયાસી (Dt.- 21/4/59)
#meenpiyasipoetry