Gujarati Quote in Thought by Bipin Agravat

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના પોઝિટિવ...

કોરોના કરફયૂ પછી વાહનોનાં ઘોંઘાટને બદલે પંખીઓનો કલરવ સાંભળવો મને ગમે છે. વગર કામે બહાર રખડતાં યુવાનોને ઘર પર રહી, પરિવાર સાથે સમય પસાર કરતાં જોવા મને ગમે છે. બેરોકટોક, અવિરત ચાલતો વાહન-વ્યવહાર રોકાઈ ગયા પછી સ્વચ્છ બનેલાં હવા-પાણી મને ખૂબ ગમે છે.

જીવનની જરૂરિયાતો પૂરી કરવા ને પરિવારને સઘળું સુખ આપવા, ઘેટાંની જેમ રૂપિયા પાછળ મૂકેલી આંધળી દોટ જ્યારે અચાનક અટકી તો સમજાયું કે, "જીવવા માટે ક્યાં જાજું જોઈએ, બસ પરિવારની હૂંફ મળવી જોઈએ."

ઈશ્વરે આ જિંદગી શા માટે આપી છે ? – એનો જવાબ શોધવા માટે જ જાણે આ સમય મળ્યો છે. એણે બનાવેલી સૃષ્ટિ કેટલી સુંદર છે અને આપણે નિજી સ્વાર્થ માટે થઈ તેને કેવી બનાવી દીધી છે, એ વિચારવું જોઈએ. અહીં આપણી સિવાય અનેક જીવો વસે છે, જેનો આપણે ક્યારેય વિચાર પણ નથી કરતાં. આપણી જીવવાની પરંપરાગત શૈલીમાં કરેલા બધાં જ ફેરફારો આજ ખોટાં સાબિત થયા હોય એવું નથી લાગતું ? આર્યવ્રતની વેદકાલીન પ્રથાને અનુસરીશું, તો જ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવીશું, નહિ તો કોરોના જેવી વૈશ્વિક આફતો આવ્યા જ કરશે, જેનો કોઈ જ સચોટ ઉપાય આજનાં વિજ્ઞાન પાસેથી નહિ મળે.

આવનારી પેઢીને જો સારું જીવન આપવું હોય, તો સુધારો અત્યારથી જ કરવો પડશે. હાલ, મજબૂરીમાં પડેલી ટેવોને કાયમી આદત બનાવવી પડશે. કોરોના કરફયૂ પછી બળાત્કાર, છેડતી, છેતરપિંડી, ચોરી, લૂંટફાટ, લાંચ-રૂશ્વત, અકસ્માત, શૈક્ષણિક ભારણને લીધે આત્મહત્યા, રાજકારણી-સામાજિક-ધાર્મિક અર્થહિન ખર્ચાળ મેળાવડા વગેરે બનાવો લગભગ નથી થયાં, જે ખૂબ સારી બાબત ગણાય. હાલની સ્થિતિએ તો કોરોનાથી થયેલ મૃત્યુઆંક, આ બનાવોથી થતાં મૃત્યુની સરખામણીએ ઘણો જ ઓછો કહેવાય.

આવી જ બીજી બાબત વ્યસન છે. વ્યસનને કારણે આજની યુવાપેઢી ખોટી દિશામાં પોતાનો કિમતી સમય બરબાદ કરી રહી છે, જેની વિપરીત અસર તેના પરિવાર તેમજ દેશની આર્થિક સ્થિતિ ઉપર પડે છે. વ્યસનથી થતાં કેન્સરનાં જોખમ વિશે કેટલુંય સમજાવવા છતાં જેઓ નહોતાં માનતા, તેઓ આજ મજબૂરીમાં વ્યસન વિના જીવી રહ્યા છે. તેઓએ અત્યારે આનાથી મળેલ પરિવારની ખુશીનો અહેસાસ કરવો જોઈએ. આ સ્થિતિ જોતાં એટલું તો ચોક્કસ સમજી શકાય કે, દરેક વ્યક્તિ પોતે જો ધારે, તો વ્યસનમુક્ત બની જ શકે.

ટૂંકમાં, હવે સ્થિતિ સામાન્ય થઈ ગયા પછી પણ સંયમિત જીવન જીવીએ. સાત્વિક આહાર-વિહારને જીવનમંત્ર બનાવીએ. કોઈપણ જીવને કે કુદરતને નુકસાન ન થાય તેની તકેદારી રાખીએ. કેમ કે કુદરતી વાતાવરણમાં થતાં ફેરફારને લીધે જ આવી વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. માટે ગ્લોબલ વોર્મિંગ વિશે હવે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ.

આ સિવાય પણ કોરોના કરફયૂથી ઘણું સારું થયું હશે, જે મારા ધ્યાને નહિ આવ્યું હોય. તો આ 'કોરોના પોઝિટિવ' વિશે આપ પણ પોઝિટિવલી વિચારશો એવી આશા રાખું છું. સૌ સ્વસ્થ રહો, ખુશ રહો...

બિપીન અગ્રાવત 'વીર'
તા.૨૯-૦૩-૨૦૨૦
(કોરોના કરફયૂ દિવસ-૫)

Gujarati Thought by Bipin Agravat : 111378271
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now