સકળ સંસારથી આગળ વધીજા.
આ રણ પોકારથી આગળ વધીજા.
નિરંતર શાંતિ જો જોઇએ તો,
આ સૌ આકારથી આગળ વધીજા.
ભલે વાણીનાં હો મીઠાં વહન પણ,
અનોખું હોય છે મૂંગું જીવન પણ,
બહુ કમ બોલ થાશે બોલબાલા,
કથન ઉચ્ચારથી આગળ વધીજા.
મધુરા રાગનો આ શોર શું છે ?
ગરમ ઠંડી હવા વિણ શું છે ?
જે કુદરતનાં છે એ સંગીત સાંભળ,
દીપક_મલ્હારથી આગળ વધીજા.
કરી લે એટલી સાદાઈ ધારણ,
ન જગ શોચી શકે એનું કારણ,
નજરનાં આ વિલાસો છે નકામાં,
તરત તલવારથી આગળ વધીજા.
જગત બન્ને જગત તારાંજ ઘર છે,
ગતિ તારી અને તારી સફર છે,
ગમે તેના મકાને થોભવું શું?
બધાના દ્વારથી આગળ વધીજા.
દીસે ખોટા બધા જ્યાં લેવા દેવા,
કિનારા હોય પણ મઝધાર જેવા.
ગુલામીની હોય એમાં છાંય જેવા,
નિયમ વ્યહવારથી આગળ વધીજા.
થવાનું થઇ ગયું તેમાં થયું શું?
ન મનમાં રાખ કે વીતી ગયું શું?
બધા સંતાપ છે એનાજ લીધે,
વિચાર આચારથી આગળ વધી જા.
ગરીબીનું જીવન કે શાહી જીવન,
બધાથી શ્રેષ્ઠ લા પરવાહીનું જીવન,
દુ:ખદ તો શું, પરંતુ દોસ્ત મારા,
સુખદ અણસારથી આગળ વધીજા.
સુકોમળ બન કદી કેસરનાં જેવો,
કદી થઇજા સખત પથ્થરનાં જેવો,
કદી અંગાર ઉપર લે વિસામો,
કદી ગુલઝારથી આગળ વધી જા.
નફો ખોટ એ બન્નેથી પર થા,
એ ભરતી_ ઓટ એ બન્નેથી પર થા,
કદી સોદો ન કર આજિંદગીનો,
બધા વ્યપારથી આગળ વધીજા.
તજી દે રસ વિનાની લાગણીને,
બધા દિન રાતને સરખા ગણીને,
ન જેમાં તારી હો અંગત ખુશાલી,
એ સૌ તહેવારથી આગળ વધી જા.
ઉઠાવે છે ભલે તોફાન દરિયો,
તું કર પૂરવાર, છે નાદાન દરિયો,
કદી કાંઠે ડૂબી જા હસતાં હસતાં,
કદી મઝધારથી આગળ વધીજા.
વચન હો વચનની લાજ પણ હો,
જે હો ગઇ કાલ સઘળી આજ પણ હો,
કોઇ ઇકરારને જાળવવા માટે,
કોઇ ઇન્કારથી આગળ વધીજા.
રહસ્ય છે આ કુદરતનું જણાવું?
સુખી જીવનનો હું નુસ્ખો બતાવું?
આ ઇર્ષ્યા લોભ ,આ નિંદા,આ મત્સર
બસ આ બે ચારથી આગળ વધીજા.
વીતે વર્ષો પછી એ તપ ફળે છે,
મળ્યું જે દર્દ તે કોને મળે છે,
નથી આ દર્દ છે ઈશ્વરની લીલા,
મરીઝ ઉપચાર થી આગળ વધીજા!!