વાતો ના વડા - ૫
એક વાર બધા ભેગાં થયેલાં ત્યારે નોકરીની વાત ચાલતી હતી. કોકે દિશા ને પૂછ્યું, તેં ક્યારેય નોકરી કરી છે દિશા ?
દિશા અે રાબેતા મુજબ ચાલુ કર્યું, " હું નાની હતી ને ત્યારથી જ મને બહુ સપનાં આવે. જાત જાતના ને ભાતભાતના.. પણ કંઈ યાદ થોડા રહે ?પણ હું થોડી મોટી થઈ ને ..ટીનેજ ટાઇપ... તો મને તો રોજ સપનામાં મારો રાજકુમાર આવે , બોલ.ઘોડા પર બેસીને મને લેવા આવતો હોય. એના ગળામાં મોટી મોટી સોનાની ચેનો હોય, હાથ માં સોનાનાં મોટા ને જાડા કડાં, હાથ ની દસેદસ આંગળીઓ માં હીરાજડિત વીંટી ઓ..એની મોજડીમાં પણ હીરા જડેલાં હોય. સોના થી ઝગારા મારતો રાજકુંવર..એય તે સોનાના ઘોડા પર બેસી સોનાની સિગારેટ પીતો હોય ..
"આપણે નોકરી ની વાત હતી.."
"અે જ તો કહું છું, સાંભળ ને ! આવા સપનાં ને લીધે મને એમ જ થતું કે હું રાજ કરવા જ જન્મી છું. મારે તો રાણી યોગ છે. હું શું લેવા નોકરી કરું ? પણ પાપાએ એક દિવસ કહ્યું કે તું ગ્રેજયુએટ થઈ ગઈ તો કંઈ નોકરી તો કર ! આપણાં ને તો લાગી આવ્યું. હું તો મારો બાયો ડેટા લઈ ને એક મોટી ઓફિસમાં ગઈ અને એમને આપી ને કહ્યું, કે ૨૫૦૦૦/ પગાર ! માલિક કહે શું ? મેં કહ્યું , આજ થી મેં તમને મારા એમ્પ્લ્યોઈ તરીકે સિલેક્ટ કર્યા છે. તમારે મને આટલો પગાર આપવાનો ..અે ભાઈ તો ચિડાઇ ગયાં. મને કહે કે અત્યારે ને અત્યારે ઓફિસ ની બહાર નીકળી જાવ.
ઘરે આવીને મેં પપ્પાને કહ્યું, કે પપ્પા આમ તો હું સારા માલિક ક્યાં શોધવા રહીશ ? એના કરતાં મારા બાયો ડેટા ના ચોપાનિયાં છપાઈ દઉં અને રોજ છાપાં જોડે આવે છે એમ અે પણ વહેંચી દઈએ તો ઘેર ઘેર પહોંચી જશે. પછી જેને જરૂર હોય , એવા માણસો મારો કોન્ટેક્ટ કરશે. હવે પપ્પા ચિડાઈ ગયા ને કહે કે આને મારે કંઈ નથી કરવું. એને બસ પરણાવી દો.
હવે પપ્પા આવું કરે તો મને તો ભલભલું મન હોય તો ય શું નોકરી કરું ? ધૂળ ! પણ પછી તો મારા " પવન " અે એકદમ આવી ને મારી જિંદગીમાં એવો પવન ફૂંક્યો ને કે આ દિશા નો પવન જ બદલાઈ ગયો ને પવનની દિશા જ બદલાઈ ગઈ.
"પછી પવન ભાઈ તને ઘોડા પર બેસીને પરણવા આવેલા કે ?"
" હા, એમને તો એવી જ ઈચ્છા હતી પણ મને થયું કે કંઇક નવીન કરોને એટલે અે હાથી પર આવેલાં."
સૌએ કહ્યું, " ધન્ય છે પવન ભાઈ "