વાતો ના વડા -૪
હવે તો બધા દિશા ને ઓળખતા થાય જ હશો.. બાપરે અે અને એની વાતો..તમને ભગવાન યાદ આવી જ જાય. કારણકે અે વાત નથી કરતી, બસ માંડી ને વાર્તા જ કરે, તમને ટાઈમ હોય કે ના હોય, તમારે સાંભળવું હોય કે ના હોય ! દિશાના રાજ માં કંઈ છૂટકો જ નહીં.
હમણાં અમે બધી બહેનપણીઓ કોક ના ઘરે ભેગાં થયેલાં. એમાં કોક બોલ્યું, " આ આજકાલ કોરોનાનું જબરું ચાલ્યું નહીં ? "
અને દિશા અે ચાલુ કર્યું, " હું નાની હતી ને ત્યારે એક વાર ગાર્ડન માં બહેનપણીઓ સાથે રમવા ગયેલી. આપણા જમાનામાં તો વળી ક્યાં બીજું કંઈ જ હતું ? સ્કૂલે થી આવીએ એટલે રમવા સિવાય બીજું શું કરતાં આપણે હેં ,? આજકાલ ના છોકરાં જેવું કંઈ ભણવાનું બર્ડન તો હતું નહીં. "
"વાત કોરોનાની હતી..તારો ગાર્ડન ક્યાં આવ્યો વચ્ચે ?"
"અરે, તું વચ્ચે ના આવ. હું એની જ વાત કરું છું. ગાર્ડન માં હું બધા સાથે હીંચકા ખાતી હતી. કંઈ કેટલી વાર સુધી ખાધા હશે.યાદ નથી. કારણકે હું તો નાની હતી..બહુ જ નાની !"
" કેટલી , પાંચ છ વર્ષ ની ? "
"ના, એના થી તો થોડી મોટી હોં. ૮ મા કે ૯ મા ધોરણમાં ભણતી હતી. ખાસ આવું કેમ યાદ છે કારણકે, ત્યાં ના વોચમેન અે મને કહ્યું, કે તમે હીંચકા પર થી ઉતરી જાવ. મેં કહ્યું કેમ ? તો કહે હેવી બોડી છો ને એટલે ! મને તો એવો ગુસ્સો આવ્યો.આ આવડા વોચમેન ને સોરી ને થેનક યુ સિવાય બીજું ઇંગ્લિશ બોલતાં આવડતું ન હોય ને મારો બેટો મને હેવી બોડી કહે છે ? મેં કહ્યું , હું નહીં ઉતરું , જા થાય અે કરી લે. પણ પછી થોડી જ વાર માં મને ચક્કર આવવા લાગ્યા.ને હું બધા સાથે ઘરે પાછી આવી ગઈ.
ઘરે આવીને મમ્મી અે જોયું, તો મને તો સખત તાવ હતો.૧૦૦ થઈ ગયેલો, બોલ.અને એવી ઠંડી વાય ને ! એટલે ખબર પડી કે મેલેરિયા થયો છે . અે જમાના માં વળી ક્યાં એવા રિપોર્ટ કઢાવતા ...ઠંડી લાગે તો મેલેરિયા જ હોય. ચ્ચ્ચર ગોદડાં ઓઢાડે ને મારી તો ધ્રુજારી જ ના શમે. "
"આપણે વાત કોરોના ની હતી.."
"અરે, અે જ તો કહું છું, ત્યારે મને બે દહાડા તાવ માં તો એમ થયું કે હું ઉકલી જઈશ. "
"તો પછી કઇ રીતે સારું થયું ?"
ત્રીજે દા ડે ઇંજેકસન લીધું ને એકદમ સારું થઈ ગયું.
"પણ આમાં કોરોના..."
"તું શાંતિ રાખ. ભગવાન કરે તને વગર કોરોના અે કવોરાંતાઈન કરે !આખો દિવસ છાપા વાળા , ટીવી વાળા , મીડિયા વાળા બધા બસ કોરોના કોરોના.. આપણે શું કામ અે વિદેશી ચાઈનીઝ કોરોના ની વાતો કરવી ? દેશપ્રેમ રાખો ને ભાઈ ! મરવું પણ હોય તો દેશી મેલેરિયા થી જ મરાય !"
મેં કહ્યું, ' ભગવાન ! '