વાતોનાં વડા -૨
અમારી ૪૦ વર્ષની મિત્ર દિશા ને વાત નહીં, વાર્તા કરવાનો શોખ છે. કંઈ પૂછીએ, એટલી વાર.. એ માંડી ને વાર્તા જ શરૂ કરી દે.
વચ્ચે શિવરાત્રી ગઈ.. મેં એને પૂછ્યું, તમે લોકો શિવરાત્રિ માં ફરાળ કરો ?
એણે ચાલુ કર્યું, " અરે, તું પૂછ જ નહીં, ખબર છે ને કે મારા દાદા દાદી અને મમ્મી પપ્પા કેટલા ધાર્મિક છે ? આખો દિવસ માળા જપવાની અને...
બસ બસ, મને ખબર જ છે. હમણાં જ તે કહેલું. મારો પ્રશ્ન ફરાળ નો હતો.
" અરે , એ જ કહું છું, સાંભળ ને ! તો મારા સાસરે પણ પિયર ની જેમ શિવરાત્રિ કે જન્માષ્ટમી હોયને , તો એમનામાં પણ આવું ભક્તિનું ભૂત ચડી જાય છે. સવારે વહેલાં નહિ ધોઈ ને મારા સાસુ સસરા બંને શિવ સ્તોત્ર કરવા બેસી જાય. ૯ વાગ્યા માં આપણે કોઈ મોબાઇલ પર વિડિયો ક્લિપ પણ મોટે થી ના સંભળાય , બોલ !
મેં તને ફરાળ નું પૂછ્યું ...
અે જ તો વાત કરું છું, વચ્ચે ના બોલ. સાસુ અે મને કહ્યું, આ ફેરા ફરાળ બનાઈશ, બેટા ? મેં કહ્યું, ક્યાં આમનું દિલ દુઃખાવિયે.. ઓકે બનાઇ દઈશ. તો એમણે કહ્યું , રાજગરાની ભાખરી કરજે, ને સૂકી ભાજી ને સુરણ નું શાક કરજે. ત્યાં તો સસરાએ કહ્યું, બેટા, થોડો શિંગોડા નો શીરો કરજો. ત્યાં વળી પવન કહે કે સાબુદાણાની ખીચડી અને જોડે સીંગદાણા ની કઢી કરજે.
મેં તો મોં ફુલાઈ ને કહ્યું, કે આટલું બધું કરવાનું ? જાવ હું નહીં કરું. તો સાસુ કહે, સારું બેટા,. ઝગડો કરવાની જરૂર નથી. તને ગમે અે એક જ વસ્તુ કરજે.
તે શું બનાવ્યું પછી દિશા ?
અરે પછી મેં એમની સાથે ઝગડો કર્યો.
કેમ ?
મેં કહ્યું, જો તમારે દીકરી હોત, તો તમે સાવ આવું કહી દીધું હોત કે એક જ વસ્તુ બનાય. હું ૧૭ વર્ષથી આ ઘર માં પરણી ને આવી છું, પણ મને હજી તમે પરાયી સમજો છો . હક થી કહેવાય નહીં કે બધું બનાવજે , બેટા ! આવો વેરો આંતરો કરવો હોય ને , તો જાવ હું કઈ નહીં બનાવું !
દિશા, પછી તમે બધાએ ફરાળ ખાઈ ઉપવાસ કર્યો કે નહીં ?
હા , બહારથી ફરાળી પાતરા અને સાબુદાણા ના વડા લાવી ને ખાધા ને !