ક્યારેક તું મારી સાથે હાથોમાં હાથ પકડીને ચાલ્યો હોત,
તો તારાં પ્રેમનાં એક હુંફાળા સ્પર્શથી હું તર-બ-તર થઈ જાત...
ક્યારેક તે તારી મનની આંખો ખોલી જોયું હોત,
તો મારી આંખોમાં તારાં પ્રેમનો ઘૂંઘવાતો સાગર તને દેખાત...
ક્યારેક તે મારી ખામોશીને જાણવાનો પ્રયત્ન કર્યો હોત,
તો તારી ખુશીમાં મારાં દર્દને પણ ઓગાળી જતાં જોત...
ક્યારેક તે તારાં દિલનાં ખૂણામાં રહેવાની જગ્યા આપી હોત,
તો એ દિલના ખૂણાને પણ મારાં પ્રેમનો મહેલ માની લેત...
ક્યારેક તે મારી ઈચ્છા - સપનાંને થોડુંક આકાશ આપ્યું હોત,
તો તારાં સપનાંને પણ હું મારાં પ્રેમ રંગોથી સાકાર કરી દેત...
ક્યારેક મને સવાલોની વર્ષા કરી એ પહેલાં તારા અંતરાત્માને પૂછ્યું હોત,
તો હરેક સવાલનાં ઉત્તર તારાં અંતર માંથી જ મળી જાત,
ક્યારેક તે મને તારા આલિંગનમાં વીંટાળી દીધી હોત,
તો મારાં હૃદય માંથી તારાં નામનો સાદ તને સંભળાત...
ક્યારેક તું મારી સાથે દિલથી માધવ થઈને નાચ્યો હોત,
તો હું તારી સંગે પ્રેમરાસમાં રંગાઈ જાત...❤
ક્યારેક તે મને સાથ આપવા કરેલો વાયદો યાદ રાખ્યો હોત,
તો મારી નાવ ત્યારે મધ દરિયે ડૂબી ના જાત...❣