મારા દાદા-દાદી દર બે દિવસે ચાલીને શાક માર્કેટ જતા અને ત્યાંથી શાકભાજી ખરીદીને લાવતા, ઘરના બધા એમને કહેતા કે, શું કરવા આટલી મહેનત કરો છો? બાજુના ગલ્લામાં બધી શાકભાજી વેચે છે ત્યાંથી કેમ નથી ખરીદી લેતા?
દાદી ચૂપ રહેતા, પપ્પા કે કાકા સામે દલીલ ના કરે પણ પાછળથી અમને બાળકોને સમજાવે, “માર્કેટ કરતા બાજુના ગલ્લાંવાળો બે રૂપિયા વધ લે છે, રોજની સવાર સાંજની ભાજીના બે બે લેખે રોજના ચાર અને મહિનાના એક હો ને ઉપર વીસ રૂપિયા થાય કે નહિ, એટલા એમનેમ આપી દેવાના!"
મજાની વાત હવે આવે છે, ક્યારેક હું મારા દાદા સાથે માર્કેટ ગઈ હોઉં અને નાનકડી થેલીમાં એકાદ ઝૂડી કોથમીર મરચા ભરેલા હોય એટલું જ મેં ઉચક્યું હોય તોય મારા દાદા જીવ બાળતા, કહે લાવ મને આપી દે અને હું ના ના કહેતી એમનાથી એક ડગલું આગળ ભાગતી ત્યારે એ સ્પેશિયલ રિક્ષા કરાવી લેતા, છેક ઘર સુધી. હું ના પાડું, કહું કે હું ચાલી લઈશ તો કહેતા, “તું તો ચાલી લઈશ પણ મારા પગ દુઃખી ગયા એનું શું? હું હવે ડોહો થઈ ગયો!"
ઘરે પહોંચીને જ હું મારા દાદી આગળ ફરિયાદ કરતી કે દાદાએ નુકશાન કરાવ્યું, રિક્ષા ભાડાના ખોટા દસ રૂપિયા બગાડ્યા... થોડુક ચાલી નાખ્યું હોત તો?
જવાબમાં દાદી હસી પડતા અને કહેતા, “એ નુકશાન થયું ના કહેવાય, દાદાના લાડ કહેવાય!"
આજે એકસાથે અઠવાડિયાની શાકભાજી ખરીદી ટ્રોલીને ઠેલતી હું બહાર આવતી હોઉં અને અચાનક મારો દીકરો પાછળથી આવીને ટ્રોલીને ધકેલવામાં પહેલા મદદ કરે અને પછી જાતે જ ઠેલતો પાર્કિંગ સુધી લઈ જાય, મારી દીકરી એક એક વસ્તુ નીકાળી એને ડિકીમાં ગોઠવવા લાગે ત્યારે થાય, પ્રેમ એટલે શું? માણસને ખુશ રહેવા શું જોઈએ?
આ નાની નાની દરકાર જ કે બીજું કંઈ..!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏