જગતનું ન સાંભળ, એ કાયમ નડે છે.
અહીં તો બહેરા જ પર્વત ચડે છે.
ચીસો, આંસુ, ડૂમા વગર તરફડે છે,
ઉકરડે હવે લાગણીઓ સડે છે !
હિમાલયમાં પણ ના મળ્યો સાધુઓને,
ને માણસને માણસમાં ઈશ્વર જડે છે.
નથી છૂટ આંખોને, ઘરનો છે મોભી,
ફકત ફેફસાઓ ને છાતી રડે છે.
સજા મર્દ હોવાની કેવી મળે છે ?
ખૂણામાં જઈને જ રડવું પડે છે.