એક વખત હતો જ્યારે હું હંમેશા સારી, સુંદર દેખાવા પ્રત્યે સભાન રહેતી.
ફાઉન્ડેશન, આઇ લાઇનર, લિપસ્ટિક અને હળવા પરફ્યુમની સ્મેલ વગર હું પોતે જ મને ઓળખી ના શકું! મારી ઊંચાઈ મને મારા બીજા મિત્રો કરતાં ઓછી લાગતી... આખો દિવસ હું હાઈ હિલ્સ પહેરી રાખતી! કોલેજમાં હતી ત્યારે તો સવારથી લઈને ત્રણ વાગ્યા સુધી ખડે પગે પ્રેક્તિકલ કરવા પડતા અને તોય હું હિલ્સ પહેરતી... લાંબા વાળની માવજત કરતી, ઘૂંટણ સુધી પહોંચવા આવેલો મારો લાંબો, ભરાવદાર અને ચમકતા વાળનો ચોટલો જોઈ કેટલાય લોકો એના ભરપૂર વખાણ કરતા....
આટલું કર્યા બાદ પણ કશુંક ખૂટતું હતું! જીવનમાં મજા ન હતી. એક ઉદાસી અચાનક ઘેરી વળતી, કોઇની સાથે વાત કરવાનું તો મન જ ના થતું. કોલેજ પૂરી કરી ને તરત લગ્ન થઈ ગયેલા, એ પછી પહેલા જ વરસે એક બાળકીની મમ્મી બની, જિંદગી જાણે પૂરી થઈ ગઈ હતી. મારી બાળકી સિવાય દુનિયામાં કંઈ ગમે એવું હતું જ નહિ...
એ પછી એક દિવસ આ ફેસબુક ચાલું કર્યું, કેટલાક લોકોનું લખાણ જોઈ મેં પણ લખવાનું ચાલું કર્યું... અને પછી શું... મારી ઉદાસી, દિલમાં ધરબાઈને પડેલી ક્યારેય કોઈને ના કહેવાયેલી વાતો વાર્તા બનીને પ્રગટ થવા લાગી. મારી મારી પોતાની સાથે ઓળખાણ થઈ! કેટલાય મસ્ત મિત્ર મળ્યા... ક્યાંક ક્યાંક મારું જ બીજું રુપ હોય એવા માણસો જોઇને સારું લાગ્યું, થયું દુનિયામાં મારા જેવો એક જ નમૂનો બનાવીને ઈશ્વરે હાથ નથી ખંખેરી લીધા.. એમની સાથે વિના સંકોચ વાતો કરતી થઈ... અને હવે,
હવે હું જેવી છું એવી છું, એ સ્વિકારી લેવામાં મને કોઈ તકલીફ નથી થતી. મેક અપ કર્યા વગર ઘરની બહાર જઈ શકું છું, આત્મવિશ્વાસથી વધારે જરૂરી બીજું કંઈ ચહેરા પર પહેરવાની જરૂર જ નથી લાગતી. વાળ કપાવી લીધા છે... એને ખુલ્લા રાખું કે તેલ નાખીને ચપ્પટ એક પોનીમાં બાંધી લઉં... કોઈ ફરક નથી પડતો. મને આરામદાયક હોય એવા જ કપડાં પહેરું છું... સાડીઓનો ઢગલો કબાટમાં લોક કરી દિધો છે. જે લોકો ખરેખર મને જાણે છે એમને મારા આ નવા અવતારથી કોઈ ફરક નથી પડતો અને જે નથી જાણતા એમની હું ફિકર નથી કરતી. એકલી એકલી પણ ક્યારેક હસી પડું છું, કોઈ કારણ વગર ચહેરા પર સ્મિત રેલાઈ જાય છે... જીવનમાં એક સપનું જોયું છે જેને પૂરું કરવા પ્રયત્ન કરી રહી છું... એક યાદગાર નવલકથા આપવાનું!
ટુંકમાં જો તમે ખુશ રહેવા ઈચ્છતા હો તો એ તમને તમારી અંદરથી જ મળશે... એના માટે કોઈ દેખાડો કરવાની જરૂર જ નથી, મેકઅપ તો બિલકુલ નહિ ???
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?